Bhavnagar,તા.૧૮
Bhavnagar મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ પારદર્શિતા અને જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડતા પોતાના જ પિતરાઈ ભાઈની એજન્સી પાસેથી બાકી રહેલી લાયસન્સ ફી અને પેનલ્ટી સહિત કુલ રૂ. ૧૨.૬૬ લાખની વસૂલાત કરાવી હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ, મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ સંચાલન સાથે જોડાયેલી એજન્સી દ્વારા લાયસન્સ ફી સમયસર ભરવામાં આવી નહોતી. અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં એજન્સીએ બાકી રકમ જમા કરાવી નહોતી. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ કોઈપણ પ્રકારના સગાવાદને મહત્વ આપ્યા વિના નિયમોનું પાલન કરાવવા કડક વલણ અપનાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી સામે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ એજન્સીએ બાકી રહેલી આશરે રૂ. ૨.૫૦ લાખની લાયસન્સ ફી તેમજ અંદાજે રૂ. ૧૦ લાખની પેનલ્ટી સહિત કુલ રૂ. ૧૨.૬૬ લાખની રકમ મહાનગરપાલિકામાં જમા કરાવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મનપાના વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે જાહેર હિત અને નિયમોના અમલમાં સંબંધોને બાજુએ રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની આવક સુરક્ષિત રાખવા અને બાકી વસૂલાત માટે અપનાવવામાં આવેલા આ અભિગમને કેટલાક વર્તુળોમાં કડક વહીવટી નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

