Bhavnagar,તા.૨૪
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલની આત્મહત્યા મામલે પરિવારે ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. ‘પોલીસ અધિકારીએ મારાભાઈનો જીવ લીધો, મારાભાઈએ આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે’ તેવા આક્ષેપ કરાયા છે. મૃતકની બહેન, પિતા અને મોટાભાઈએ પોલીસ વિભાગની કાર્યરીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આજે મૃતકનું બેસણું રાખવામાં આવ્યું હતું, જે દરમ્યાન પરિવારે કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના મોત મામલે પોલીસ અધિકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકે ફરજ બજાવનાર હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમ્યાન પોલીસ મથકેથી નીકળી ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટના બાદ મૃતક કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે.મૃતકના મોટાભાઈ રાજેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે, ઘોઘા પીએસઆઇ દ્વારા તેમને ખૂબ જ ટોર્ચર કરવામાં આવતા હતા, તેઓ ક્યાંય જાય તો તેની પાછળ જઈ તેઓ સાચું બોલે છે કે ખોટું એ જાણવાનો પ્રયાસ કરી માનસિક પ્રેશર બનાવવામાં આવતું હતું, સતત કામનું ભારણ રહેતું હોય દિગ્વિજયસિંહ ગોહીલ પર માનસિક પ્રેશર બન્યું રહેતું હોય તેનાથી મુક્તિ મેળવવા તેમણે ડોક્ટર પાસેથી દવા લેવાનું પણ શરૂ કર્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
મૃતક કોન્સ્ટેબલના પિતા જયદેવસિંહ ગોહીલ પણ ૩૮ વર્ષ સુધી પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂક્યા છે, તેઓ દ્વારા પણ પોલીસ વિભાગની કામગીરી અને કેવા પ્રકારનું ભારણ હોય છે, એ અંગે વાત કરી પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. મૃતકના પિતા જયદેવસિંહ ગોહિલે જણાવ્યું કે મીડિયા બતાવશે તો પણ એમણે કઈ ફેર નહીં પડે એ લોકોએ જે નક્કી કર્યું હશે એજ કરશે, ન્યાયતંત્રનું કહ્યું ના માનતા હોય એ મીડિયાને ધ્યાને લેશે ખરા.
આમ, કોન્સ્ટેબલના પરિવારના લોકોની બસ એક જ માંગ છે, અમને ન્યાય મળવો જોઈએ, અને સંબંધિત અધિકારી સામે ફરિયાદ નોંધાવી જોઈએ, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા મારા ભાઈની કાર, મોબાઈલ સહિતની કબજે કરેલી વસ્તુઓ પણ હજુ અમને સોંપવામાં નથી આવી, જેમાં રહેલા પુરાવા નષ્ટ કરવામાં આવશે એવી ભીતિ વ્યક્ત કરી હતી.

