Bhuj, તા. 8
કચ્છમાં ભુજના કંઢેરાઇ ગામે બોરવેલમાં પડી ગયેલી યુવતી છેવટે જિંદગી સામેનો જંગ હારી ગઇ હોય તેમ આજે બચાવ ઓપરેશન વચ્ચે તેનું મૃત્યુ નિપજયું હતું. 30 કલાક કરતા વધુ સમય સુધી રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ હતું. છતાં યુવતીને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી ન હતી.
ઇન્દીરા મીણા નામની આ યુવતીના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ છે. યુવતીનો મૃતદેહ ફુલાઇ ગયો હોવાથી હવે તેને બોરવેલમાંથી બહાર કાઢવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભુજના કંઢેરાઇ ગામે ઇન્દીરા મીણા નામની યુવતી 540 ફુટ ઉંડા બોરવેલમાં સરકી ગઇ હોવાનું જાહેર થયું હતું જેને પગલે ગઇકાલે વ્હેલી સવારથી એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડ સહિતની એજન્સીઓ દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાથમિક કામગીરીમાં સફળતા ન મળતા ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ તાબડતોબ બોલાવવામાં આવી હતી અને તેના દ્વારા બોરવેલ આસપાસ ખાસ સ્ટ્રકચર તૈયાર કરીને યુવતીને સહી સલામત બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
પ્રારંભિક કલાકોમાં યુવતીની બચાવો બચાવોની બુમો સંભળાતી હતી પરંતુ તે પછી અટકી હતી જોકે રેસ્કયુ ઓપરેશન દરમ્યાન યુવતી જીવીત છે કે કેમ તેની સતત વોચ રાખવામાં આવતી હતી અને તે જીવીત હોવાનું માલુમ પડયુ હોવાથી બચાવાના પ્રયત્નો વધુ તેજ કરવામાં આવ્યા હતા.
એવું જાણવા મળ્યું હતું કે, 540 ફુટ ઉંડા બોરમાં પડી ગયેલી યુવતીને રેસ્કયુ ઓપરેશન દરમ્યાન એક તબકકે ઉપર લાવવામાં આવી હતી અને માત્ર 60 ફુટનું અંતર બાકી રહ્યું હતું ત્યાં ઓચિંતી અડચણ આવતા ફરી યુવતી 100 ફુટ નીચે ઉતરી ગઇ હતી જયાંથી તેને બચાવવાના પ્રયત્નો શરૂ કરાયા હતા પરંતુ આજે બપોરે યુવતી જિંદગીનો જંગ હારી ગઇ હોય તેમ તેનું મૃત્યુ થયાનું જાહેર થયું હતું.
એનડીઆરએફની ટીમ દ્વારા રોબોટીક ટેકનોલોજીની મદદથી મૃતદેહ બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. મૃતદેહ બોરવેલમાં જ ફુલી ગયો હોવાથી બહાર કાઢવામાં મુશ્કેલી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. 30 કલાક કરતા વધુ સમય સુધીનું રેસ્કયુ ઓપરેશન નિષ્ફળ જતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.