Bhuj,તા.7
સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છમાં મેઘરાજાએ કુપા વરસાવવાનું શરૂ કર્યુ છે ગઈકાલે અને ચાર્જ સવારે પણ ધોધમાર વરસાદ વરસતા 1 થી 8 પાણી પડી ગયું છે ભૂજમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.
જિલ્લાના અંજારમાં છ, ભચાઉ અને અબડાસામાં પાંચ-પાંચ, નખત્રાણામાં સાડા ચાર ઈંચ વરસાદ પડયો છે. મુંદ્રા અને માંડવીમાં દોઢ દોઢ ઈંચ પાણી પડયું હતું.આજે સવારે સુધીમાં ભૂજમાં 200 મીમી, અબજાસા 117, અંજાર 145, ભચાઉ 124, નખત્રાણા 182, ગાંધીધામ 27, માંડવી 35, લખતર 16, મુંદ્રા 33, રાપરમાં 20 મીમી વરસાદ પડયો છે. આ આંકડા આજે સવારે 8 વાગ્યા સુધીના છે.
શાળામાં રજા
કચ્છના નખત્રાણાના મોડી રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. સવારના 4 થી 6 માં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદથી નખત્રાણા પાણી પાણી થયું હતું. તાલુકાના ગ્રામ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની બજારો નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નખત્રાણા-ભૂજ સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. ભારે વરસાદના પગલે નખત્રાણાની કેટલીક ખાનગી શાળાઓએ સલામતીના ભાગરૂપે આજે રજા જાહેર કરી હતી.
કચ્છ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાપર, માંડવી અને મુંદ્રા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભૂજ, ખાવડા, રાપર અને વાગડ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. રાપરના ગેડી, સઈ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખાવડાના કોટડા, ધ્રોબાણા, માંડવીના રાજપર, પદમપૂર, ભૂજના સુખપર, માનકુવા સહિતના ગામમાં વરસાદ ખાબક્યો હતો.
ભારે વરસાદથી ભૂજમાં મોટા બંધમાં પાણીની આવક થઇ રહી છે. ભારે વરસાદથી કચ્છના નખત્રાણામાં નદી-નાળામાં પાણીની આવક થઇ રહી છે. નખત્રાણાના દેવીસર તળાવમાં પાણીની સતત આવક થઇ રહી છે. દેવીસર ગામની ભુખી નદી તોફાની બની હતી. ભારે વરસાદથી નખત્રાણાની કેટલીક શાળામાં રજા જાહેર કરાઇ હતી.
રાજકોટ શહેર
રાજકોટમાં ગઈકાલે રવિવારે પુરો દિવસ હળવો ભારે વરસાદ વરસ્યો હતો જે મોડી સાંજ સુધીમાં અંદાજે દોઢ ઈંચ નોેંધાયો હતો.
જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં આકાશમાં વાદળોની જમાવટ વચ્ચે છેલ્લા 48 કલાકમાં પા ઇંચ થી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો.આ વરસાદી વાતાવરણ વચ્ચે છુટાછવાયાયો વરસાદ સમગ્ર જિલ્લામાં નોંધાયો હતો.
જામનગર શહેરમાં 12 મિમી,જોડિયામાં 38 મિમી,ધ્રોલ 10 મિમી,કાલાવડમાં 6 મિમી,લાલપુરમાં 36 મિમી,જામજોધપુરમાં 7 મિમિ કંટ્રોલરૂમમાં નોંધાયો હતો. આ વરસાદને લઈ લોકોના જનજીવન ઉપર અસર જોવા મળી હતી.
જામનગર જિલ્લાના પી.એચ.સી સેન્ટરોમાં નોંધાયેલ વરસાદ ઉપર એક નજર કરીએ તો જામનગર તાલુકામાં વસઈમાં ત્રણ મીમી, લાખાબાવળમાં પાંચ મીમી, મોટી બાણુંગારમા 37 મિમી વરસાદ નોંધાયો હતો જ્યારે જોડિયા તાલુકાના હડીયાણામાં પાંચ મીમી,બાંલભામાં 33 મીમી અને પીઠડમાં 36 મિમી વરસાદ પડ્યો હતો.ધ્રોલ તાલુકાના લતીપુરમાં 27 મિમી વરસાદ નોંધાયો હતો.
કાલાવડ તાલુકાના નિકાવામાં 10 મીમી, ખરેડીમાં 30 મીમી, મોટા વડારામાં 17 મીમી, મોટા પાંચ દેવડામાં 17 મિમી, નવાગામમાં 17 મીમી, ભલસાણ બેરાજામાં 35 મિમી વરસાદ થયો છે.
જામજોધપુર તાલુકાના સમાણામાં 18 મિમી, જામવાડીમાં 18 મિમી,વાસજાળીયામા 24 મીમી, પરડવામાં 35 મિમી, ભણગોરમાં 7 મિમી, અને મોટા ખડબામાં 40 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે લાલપુર તાલુકાના પીપરટોડામાં 26 મીમી, ભણગોરમાં 7 મીમી, મોટા ખડબામાં 40 મિમી,મોડપરમાં પાંચમી અને હરીપરમા 63 મિમી વરસાદ નોંધાયો છે
જામનગર જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ મોટી ભણસાળમાં 582 મિમી નોંધાયો હતો.જ્યારે સૌથી ઓછો લાખાબાવન માં 107 મિમી વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લો
રાજકોટ જિલ્લામાં આજે સવારે 8 કલાક સુધીમાં 24 કલાકમાં નોંધાયેલ વરસાદના આંકડા જોતા રાજકોટ 27 મીમી, લોધીકા 22 મીમી, કોટડા સાંગાણી 28 મીમી, જસદણ 16 મીમી, ગોંડલ 11મીમી, જામકંડોરણા 6 મીમી, વિંછીયા 12 મીમી, વરસાદ નોધાયો છે.
અમરેલી જિલ્લો
અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલમાં મેઘમહેર યથાવત રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન બાબરામાં 62 મીમી, ધારી-17 મીમી, સાવરકુંડલા-19 મીમી, અમરેલીમાં હળવા ઝાંપટા વરસ્યા હતા. બાબરા પંથકમાં ધોધમાર વરસાદથી નદી-નાળાઓમાં પાણી વહયા હતા ખેડૂતો મેઘમહેરથી ખુશ થયા છે ખેતી પાકોને ફાયદો થયો છે.
જૂનાગઢ જિલ્લામાં અડધો ઈંચ
જૂનાગઢ જિલ્લામાં મેઘાવી માહોલમાં ગઈકાલે રવિવારે વરસાદના હળવા ભારે ઝાંપટા વરસ્યા હતાં.મેઘાવી માહોલમાં વિસાવદર પંથકમાં વધુ અડધો ઈંચ અને માળીયા હાટીના 7 મીમી મેંદરડા પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા.આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો છે.
વિંછીયા
વિંછીયા માં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા રૂપે અર્ધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.તેમજ વિંછીયા તાલુકાના ગામડાઓમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસી ગયા હતા. વરસાદથી વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું.