પોન્ઝી સ્કિમમાં રોકાણકારોને અબજોમાં નવડાવનારની અરજીનો ચુકાદો તા.૬ ના રોજ
Banaskantha, તા.૪
રાજ્યમાં બનાસકાંઠા તેમજ અન્ય સ્થળોએ રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી પોતાના એજન્ટો મારફત અબજો રૂપિયાનું રોકાણ મેળવી લોકો સાથે વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં રાજ્યની સી.આઈ.ડી.ક્રાઈમના વડા ડો.રાજકુમાર પાંડીયનની સીધી દેખરેખ હેઠળ ચાલતી તપાસમાં દરરોજ નવાનવા ફણગાઓ ફૂટતા રહે છે. બી.ઝેડ ઈન્વેસ્ટમેન્ટના નામે જુદા જુદા સ્થળોએ ઓફીસ ખોલી રોકાણકારોને નવડાવનાર ભુપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટો-કર્મચારીઓ ઝડપાય રહયા છે. પરંતુ ભૂપેન્દ્રસિંહ પોલીસ પકડથી હજુ દૂર છે. તેમણે આજે અમદાવાદની સેસન્સ કોર્ટમાં ધરપકડથી બચવા આગોતરા જામીનની અરજી પોતાના વકીલ મારફત દાખલ કરેલ છે. અદાલતે આ અરજીની સુનાવણી તા.૬ ના રોજ મુકરર કરેલ છે.
અબજોનું રોકાણ મેળવ્યા બાદ એકાએક લાપતા બનેલ ભૂપેન્દ્રસિંહ ઝાલા સારૂં રાજકીય પીઠબળ ધરાવતા હોવાથી સી.આઈ.ડી.ક્રાઈમની ટીમ તેમની ભારે શોધખોળ ચલાવી રહી છે. પરંતુ તે હાથમાં આવેલ નથી! ભુપેન્દ્રસિંહની લલચામણી યોજનાઓમાં નાના માણસોના લાખો રૂપિયા ફસાયા છે તેવુ નથી અનેક મોટી હસ્તીઓ ક્રિકેટરો સહિત કેટલાક આગેવાનોની મોટી રકમ ફસાયેલ છે.