Gandhinagar,તા.10
11 સપ્ટેમ્બર, 2021 ગુજરાતના રાજકારણના ઇતિહાસની આ એ તારીખ છે, જેણે સૌને આંચકો આપ્યો હતો. આ દિવસે વિજય રૂપાણી અચાનક રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મળી મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ સમગ્ર કેબિનેટ દ્વારા રાજીનામું અપાયું હતું. રૂપાણીના રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે 13 સપ્ટેમ્બરના જાહેર થયા હતા.
ભૂપેન્દ્ર પટેલે હવે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ રેકોર્ડ એટલે પાટીદાર મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી સળંગ શાસન કરવાનો. અત્યારસુધીમાં ગુજરાતમાં પાટીદાર સમાજના જેટલા મુખ્યમંત્રીઓ થઇ ગયા છે એ આંદોલન, બળવો, અસંતોષ જેવાં કોઇ ને કોઇ કારણોસર ભૂપેન્દ્ર પટેલ જેટલું સળંગ શાસન નથી કરી શક્યા અને પોતાની ટર્મ પણ પૂરી નથી કરી શક્યા.
એક રીતે જોઇએ તો ભૂપેન્દ્ર પટેલ પહેલા એવા પાટીદાર મુખ્યમંત્રી છે, જેનું નામ મુખ્યમંત્રીની રેસમાં હતું જ નહીં અને તેઓ મુખ્યમંત્રી બની ગયા. આ 13મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલના સળંગ શાસનને 1463 દિવસ થઇ રહ્યા છે.
ભૂપેન્દ્ર પટેલ
2 વખત મુખ્યમંત્રી
► સળંગ શાસનના દિવસોઃ- 1463
► (13 સપ્ટેમ્બર, 2025 ગણી લેતાં)
સવારે બોપલના કાર્યક્રમમાં વૃક્ષારોપણ કર્યું અને બપોરે ફળ મળ્યું! વિજય રૂપાણીના રાજીનામા બાદ બીજા દિવસે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કર્યું હતું.
આ સમયે ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યોની હરોળમાં છેલ્લે બેઠા હતા. તેમને પોતાને પણ ખબર નહોતી કે તેમના નામની જાહેરાત થઇ છે. એ દિવસે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તેમને એ જાણ નહોતી કે નવા મુખ્યમંત્રી તરીકે તેમના નામની જાહેરાત થશે.
આનંદીબેન પટેલ
1 વખત મુખ્યમંત્રી
► સળંગ શાસનના દિવસોઃ 809
ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રીએ ફેસબુક પર રાજીનામું આપ્યું હતું 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે ગાંધીનગરની ગાદી આનંદીબેન પટેલને સોંપીને ગયા હતા.
આનંદીબેન પટેલે 22મી મે, 2014થી 7 ઓગસ્ટ 2016 સુધી મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું. તેમના કાર્યકાળમાં ગુજરાતમાં ઐતિહાસિક પાટીદાર અનામત આંદોલન થયું. પાટીદાર આંદોલન બાદ તેમણે 1 ઓગસ્ટ, 2016ના રોજ ફેસબુક પર પોતાનું રાજીનામું ધરી દીધું હતું.
◙ બાબુભાઇ જશભાઇ પટેલ
2 વખત મુખ્યમંત્રી
► સળંગ શાસનના દિવસો :- 1043
બાબુભાઈ પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા 1974માં ચીમનભાઇના રાજીનામા પછી ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરાયું હતું, જેના પછી યોજાયેલી ચૂંટણીમાં બાબુભાઇ પટેલ ગુજરાતના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા હતા. બાબુભાઇ મુખ્યમંત્રી બન્યાના એક અઠવાડિયા પછી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી.
ચીમનભાઇની સરકાર ગઇ અને બાબુભાઇની સરકાર આવી એ દરમિયાન રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હતું. મચ્છુ હોનારત વખતે 6 મહિના સુધી મોરબીમાં રહ્યા 1977માં બાબુભાઇ બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમના શાસનકાળ દરમિયાન મોરબીમાં મચ્છુ જળ હોનારત થઇ હતી. એ સમયે તેઓ આખા મંત્રીમંડળ સાથે 6 મહિના સુધી મોરબીમાં રહ્યા હતા.
ચીમનભાઇ પટેલ
3 વખત મુખ્યમંત્રી
► સળંગ શાસનના દિવસો : 1212
ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યાર પછી જે નેતાઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં તેમાં ચીમનભાઇ પટેલ પહેલો પાટીદાર ચહેરો હતા. ચીમનભાઇ કુલ 3 વાર ગુજરાતના મુખ્યમંત્રી તો બન્યા પણ સળંગ શાસન કરવાની બાબતમાં ભૂપેન્દ્ર પટેલ કરતાં પાછળ છે.
મુખ્યમંત્રીપદે ચાલુ હતા ને અવસાન થયું 1990માં ચીમનભાઇ પટેલ ભાજપના ટેકાથી ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતના રાજકારણમાં પાટીદારોનો દબદબો વધ્યો હતો. 17 ફેબ્રુઆરી, 1994ના રોજ તેમનું અવસાન થયું હતું. આ સમયે તેઓ મુખ્યમંત્રીપદે હતા.
કેશુભાઇ પટેલ
2 વખત મુખ્યમંત્રી
► સળંગ શાસનના દિવસોઃ- 1314
આનંદીબેન પટેલ પહેલાં પાટીદાર સીએમ કેશુભાઇ પટેલ હતાં. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનારા કેશુબાપા 17 વર્ષની વયે RSSમાં પ્રચારક તરીકે જોડાયા હતા. તેમનું જાહેર જીવન 70થી વધુ વર્ષોનું હતું.
ગોકુળ ગ્રામ યોજના કેશુભાઇ પહેલી વખત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ગોકુળ ગ્રામ યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ ગામોમાં પણ શહેરો જેવી પાયાની સુવિધા ઊભી કરવાનાં કામો થયાં હતાં. શંકરસિંહ વાઘેલાએ બળવો કરતાં 221 દિવસમાં 21 ઓક્ટોબર 1995એ રાજીનામું આપ્યું હતું.
ભૂકંપથી કેશુબાપાની ખુરસીના પાયા હચમચ્યા 26 જાન્યુઆરી, 2001ના દિવસે કચ્છમાં આવેલા શક્તિશાળી ભૂકંપે કેશુભાઇની ગાંધીનગરની ગાદીનો પાયો હચમચાવી દીધો. ભૂકંપ બાદ યોગ્ય કામગીરી ન થઇ હોવાનો તેમની સરકાર પર આરોપ લાગતો રહ્યો અને અસંતોષનો સૂર ઊઠવા લાગ્યા.
6 મહિના સુધી તો તેમણે સત્તા સંભાળી પણ સપ્ટેમ્બર મહિનામાં યોજાયેલી 2 પેટાચૂંટણીમાં ભાજપની હાર થઇ, જેના કારણે ઓક્ટોબર મહિનો આવતાં આવતાં જ તેમની પાસેથી રાજીનામું લઇ લેવાયું.
એ સમયે કેશુબાપા જાહેરમાં બોલ્યા હતા કે મારો વાંક શું? ગુનો શું? તેમના રાજીનામા બાદ 7 ઓક્ટોબરે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા. આમ, કેશુભાઇ પણ પોતાની ટર્મ પૂરી કરી શક્યા નહોતા.