New Delhi, તા. 17
આર્જેન્ટિના સામે રવિવારે રમાનારા ફીફા વર્લ્ડ કપ 2026ના મહામુકાબલા પહેલાં સ્પેનની ટીમે ન્યૂ જર્સીમાં પોતાની પહેલી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ફ્રાન્સ સામે સેમિફાઇનલમાં 2-0થી મેળવેલી શાનદાર જીત બાદ સ્પેનનો આ પહેલું પ્રેકિ્ટસ સેશન હતું.
આ દરમિયાન સ્પેનનો સ્ટાર યુવા ખેલાડી લેમિન યમાલ અને ડિફેન્ડર પેડ્રો પોરો મુખ્ય ટીમ સાથે ટ્રેનિંગ કરવાને બદલે મેદાન પર એકલાં (અલગથી) રિકવરી ડ્રિલ્સ કરતાં જોવા મળ્યાં હતાં. બંને ખેલાડીઓ અલગથી પ્રેકિ્ટસ કરી રહ્યાં હોવાની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યમાલ ઇજાગ્રસ્ત હોવાની અફવાઓ અને ચર્ચાઓ જોર પકડવા લાગી હતી.
જોકે, આ ચિંતાઓ વચ્ચે રોયલ સ્પેનિશ ફૂટબોલ ફેડરેશને (RFEF) આ બાબતે સ્પષ્ટતા કરીને ચાહકોને મોટી રાહત આપી છે. ફેડરેશને જણાવ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે બંને ખેલાડીઓ સંપૂર્ણ ફિટ છે. સેમિફાઇનલ મેચ ખૂબ જ લાંબી અને શારીરિક રીતે થકવી નાખનારી રહી હતી, જેના કારણે સાવચેતીના ભાગરૂપે તેમને વર્કલોડ મેનેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાકીની ટીમથી અલગ રાખીને હળવી કસરતો કરાવવામાં આવી હતી.
રવિવારની ફાઇનલ મેચ પહેલાં બંને ખેલાડીઓ ફરી એકવાર મુખ્ય ટીમ સાથે જોડાઈને પૂરી તાકાતથી ટ્રેનિંગ શરૂ કરી દેશે. સ્પેનના કોચ લુઈસ ડી લા ફુએન્ટે પણ મેચ બાદ સ્પષ્ટ કર્યું હતું કે બાર્સિલોનાના આ યુવા ખેલાડીને કોઈ ગંભીર સમસ્યા નથી, માત્ર રમત દરમિયાન સામાન્ય સ્નાયુઓનો દુખાવો અને થાક છે. જોકે, ડિફેન્ડર પેડ્રો પોરોને હેમસ્ટ્રિંગમાં સામાન્ય ખેંચાણ છે, પણ તે પણ ફાઇનલ રમી શકે તેટલો ફિટ થઈ જશે.
આ મુકાબલા માટે સ્પેનની મેનેજમેન્ટ ટીમ પોતાનાં સૌથી મહત્વનાં ખેલાડી લેમિન યમાલને ફાઇનલ મેચ માટે સંપૂર્ણ રીતે ફ્રેશ રાખવા માંગે છે.

