Mumbai,તા.6
હાલમાં જ સિનેમાવાળાઓએ સરકારને સિનેમાની ટિકિટ પરનાં જીએસટીના દરમાં ઘટાડો કરવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા ટિકિટ પર 100 રૂપિયા સુધીની છૂટના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નિરાશા જોવા મળી રહી છે. આ ફેરફાર પરનો અમારો વિશેષ અહેવાલ અહીં પ્રસ્તુત છેઃ
હાલમાં જ જાહેર થયેલાં જીએસટીનાં નવા દરો મુજબ 100 રૂપિયા સુધીની સિનેમા ટિકિટ પર પહેલાં 12 ટકાનાં બદલે હવે 5 ટકા ટેક્સ લાગશે. આનાથી વધુ કિંમતની ટિકિટ પર 18 ટકા જીએસટી લાગતો રહેશે. આ ફેરફારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે એવી અપેક્ષા હતી, પરંતુ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો પણ એને લઇને બહુ ઉત્સાહિત હોય એવું લાગતું નથી.
હાલમાં જ સિનેમાઘરોની સૌથી મોટી સંસ્થા મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એમએઆઈ)એ સિનેમા ટિકિટ પર જીએસટી ઘટાડવા માટે સરકારને પત્ર લખ્યો હતો. એમએઆઈએ માંગ કરી હતી કે 300 રૂપિયા સુધીની ટિકિટ પર 5 ટકા જીએસટી અને 300 રૂપિયાથી વધુની ટિકિટ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે. પરંતુ હવે સરકાર દ્વારા 100 રૂપિયા સુધીની ટિકિટ પર જીએસટી રેટ ઘટાડવાથી ફિલ્મ અને સિનેમા ઉદ્યોગ સાથે જોડાયેલાં લોકો નિરાશ થયાં છે.
ઓછા દર્શકોને ફાયદો થશે
હાલનાં ફેરફાર હેઠળ સરકારે 100 રૂપિયા સુધીની કિંમતની સિનેમા ટિકિટ પર જીએસટી 12 થી ઘટાડીને 5 ટકા કરી દીધો છે. એટલે કે જીએસટીના કારણે પહેલાં જે સિનેમા ટિકિટ 100 રૂપિયા પ્લસ 12 રૂપિયા જીએસટી એટલે કુલ 112 રૂપિયા હતી, જે હવે 5 રૂપિયા જીએસટીનાં કારણે હવે તેની કિંમત 105 રૂપિયા થશે. એટલે કે સામાન્ય દર્શકને ટિકિટ પર માત્ર 7 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
વેવ સિનેમાઝના વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ રાયઝાદાએ જણાવ્યું હતું કે,”સિનેમા ટિકિટ પર જીએસટીનાં દરમાં માત્ર 100 રૂપિયા સુધીની ટિકિટ પર ઘટાડો કરવાનાં સરકારનાં નિર્ણયનો લાભ બહુ ઓછા દર્શકોને મળશે. 100 રૂપિયાની કિંમતની ટિકિટો આજકાલ અમુક ટાયર 2 શહેરોમાં ફક્ત સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં જ ઉપલબ્ધ છે.
જો મેટ્રો શહેરોની વાત કરીએ તો દર્શકો માટે 100 રૂપિયાની ટિકિટવાળો શો મળવો મુશ્કેલ છે. મને નથી લાગતું કે જીએસટીનાં દરોમાં ઘટાડાથી પ્રેક્ષકો અથવા સિનેમા અને ફિલ્મ ઉદ્યોગને સીધો ફાયદો થશે. જો કે તેનો લાભ આપણને આડકતરી રીતે મળી શકે છે. જેમ કે, અન્ય વસ્તુઓ પર જીએસટીનાં દર ઓછા હોવાને કારણે દર્શકો પાસે વધુ પૈસા હશે, પછી તેઓ વધુ ફિલ્મો જોશે. સાથે જ ક્નસ્ટ્રક્શન મટીરીયલ્સ પર જીએસટીનાં દરોમાં ઘટાડાને કારણે નવાં થિયેટરોની કિંમતમાં પણ ઘટાડો થશે.
ઉદ્યોગને કશું ખાસ ન મળ્યું
સરકાર દ્વારા સિનેમા ટિકિટ પર જીએસટીના દરોમાં ઘટાડો ન કરાતાં ફિલ્મ જગત સાથે સંકળાયેલાં લોકો પણ નિરાશ છે. નિર્માતા અને ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ ગિરીશ જોહર કહે છે, “અમે સિનેમાની ટિકિટો પર જીએસટીનાં દરોમાં વધુ ઘટાડાની અપેક્ષા રાખી હતી. પરંતુ અફસોસની વાત એ છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી એટલું બધું મળ્યું નથી. અત્યારે અમે માની રહ્યાં છીએ કે જીએસટીમાં આપવામાં આવેલી આ છૂટ માત્ર સિંગલ સ્ક્રીન સિનેમામાં જ દર્શકોની થોડી સંખ્યામાં વધારો કરી શકે છે.

