Amreli, તા.10
લીલીયા નજીક અમરેલીને જોડતા મુખ્ય માર્ગ પર લીલીયા મોટા ગ્રામ પંચાયત કચેરી નજીક મસમોટું એક આવળનું વૃક્ષ કોઈ કારણોસર અચાનક ધરાશાય થતા થોડો સમય માટે આ માર્ગ અવરોધિત થયો હતો. ધરાશાયી થયેલ વૃક્ષ ત્યાં પાર્ક કરેલી એક ફોર વ્હીલ કાર પર પડતાં કારને નુકસાન થયું હતું. સદનસીબે કાર પાર્ક કરેલી હોય અને તકારમાં કોઈ બેસેલ ન હોવાથી જાનહાની ટળી હતી.
ઘટનાને કારણે લીલીયા-અમરેલી મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સરપંચ વિજયભાઈ શેખલિયાએ તાત્કાલિક માર્ગ ખુલ્લો કરાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.
લીલીયા-અમરેલીનો આ મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ કર્મચારીઓ સંજયભાઈ ઇટાલિયા અને ગૌતમભાઈ ખુમાણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ વૃક્ષ દૂર કરી માર્ગ પર વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

