Bihar ,તા.૧૨
બિહારના બેગુસરાઈમાંથી દારૂના પ્રતિબંધનો પર્દાફાશ કરતો એક મામલો સામે આવ્યો છે. અહીં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. મામલો ચેરિયા બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મેહદા શાહપુર ગામનો છે. મૃતકની ઉંમર ૫૦ વર્ષ અને ૬૦ વર્ષ હતી.
બિહારના બેગુસરાયના ચેરિયા બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મેહદા શાહપુર ગામમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી હરેરામ તંતી (૫૦) અને ચૂનચુન પ્રસાદ સિંહ (૬૦)ના મોત થયા હતા. જોકે, તેનું મોત ઝેરી દારૂ પીવાથી થયું હતું કે અન્ય કોઈ કારણથી થયું હતું તે અંગે જિલ્લા પોલીસે તાત્કાલિક પુષ્ટિ કરી નથી. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુનું કારણ ઝેરી દારૂ છે.
જિલ્લા પોલીસે જણાવ્યું કે તંતીના પરિવારજનોએ કહ્યું કે શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું બુધવારે મોત થયું હતું. ચુનચુન પ્રસાદ સિંહના મૃત્યુ અંગે કહેવામાં આવ્યું હતું કે મૃત્યુનું કારણ ઠંડીના કારણે તબિયત બગડવી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તંતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જ્યારે સિંહના પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે. તંતી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે.
જો કે, ગામલોકોના એક જૂથે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બંને દારૂના વ્યસની હતા અને ઘટનાના એક દિવસ પહેલા દારૂ પીધો હતો. હકીકતમાં બિહારની નીતીશ કુમાર સરકારે એપ્રિલ ૨૦૧૬માં રાજ્યમાં દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ તેમ છતાં લોકો તેમની હરકતોથી બચતા નથી અને નિયમોનો ભંગ કરે છે. લોકો ગેરકાયદેસર દારૂનો ધંધો કરી લોકોને દારૂ પુરો પાડે છે. અહીં દારૂની હેરાફેરીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે.