Bihar,તા.7
ઉત્તરાપ્રદેશના સંભલમાં મસ્જિદના સર્વે દરમિયાન અગાઉ થયેલી પથ્થરમારની ઘટના બાદ હવે બિહારના દરભંગામાં પણ રામવિવાહની પંચમીના અવરાટે નિકળેલી ઝાંખી પર મસ્જિદ પાસે પહોંચતા ઉપદ્રવીઓ દ્વારા પથ્થરમારો થયો હતો. ત્યાર બાદ બંન્ને જુથ વચ્ચે અથડામણ થઈ હતી.
જેમાં અનેક લોકો ઘાયલ થયા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી હાલ અહીં મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાત કરી દેવાયું છે હાલ પોલીસ ઘટનાને લઈને સીસીટીવી ફુટેજ ચેક કરી રહી છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ બિહારના દરભંગાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રામવિવાહની પંચમીના અવસરે બે પક્ષો વચ્ચે લાકડી-દંડાવાળી અને પછી પથ્થરમારાની ઘટના બની હતી. જેના પગલે મોટી સંખ્યામાં પોલીસ ટુકડી ખડકી દેવામાં આવી હતી અને સ્થિતિ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
દરભંગાના એસપી અને એસડીએમ પણ ઘટનાની જાણ થતાં ધસી આવ્યા હતા. દરભંગાના નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા બાજિતપુરમાં આ ઘટના બની હતી. હાલ સ્થિતિ કાબૂમાં હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે રામવિવાહની ઝાંખી બાજિતપુરમાં આવેલી મસ્જિદ સુધી લઈ જવાની હતી અને પછી તેને પાછી લાવવાની હતી.
આ મામલે પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઝાંખી લઈ જવા વિશે તો અમને કોઈ જાણકારી જ નહોતી. જ્યારે અમે તેમને પોલીસ પરવાનગી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે તો વર્ષોથી ઝાંખી લઈ જઈએ છીએ અને પોલીસની પરવાનગી નથી લેતા. આજ પહેલા અહીં ક્યારેય વિવાદ થયો નહોતો. હવે આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે.