મધ્યપ્રદેશના યુવકના મોતથી ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Sultanpur.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુલતાનપુરની સીમમાં આવેલી વાડીએ ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવનાર યુવાનનું સુલતાનપુર દેવડા રોડ પર અકસ્માતમાં મોત થયું હતું. યુવાન વાડીએથી બાઈક લઇ સુલતાનપુર કામ સબબ જતો હતો દરમિયાન ઢોર આડુ ઉતરતા યુવાનનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેમાં તેને માથાનાભાગે ગંભીર ઈજા થતાં મોત થયું હતું.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સુલતાનપુર પાસે દેવડા રોડ પર એકલવ્ય સ્કૂલ નજીક ઢોર આડુ આવતા બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલક યુવાન દેવસિંગ ચાતરીયા ડાવર (ઉ.વ 35 રહે. હાલ સુલતાનપુર, મૂળ સજવાની ખામ તા. બડવાની, મધ્યપ્રદેશ) ને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સુલતાનપુર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, મૂળ એમ.પી. નો યુવાન છેલ્લા ત્રણેક વર્ષથી અહીં સુલતાનપુર ગામની સીમમાં વાડીએ રહી ખેત મજૂરીનું કામ કરતો હતો. યુવાનને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ગઈકાલે સવારના યુવાન વાડીએથી સુલતાનપુર લાકડા કાપવા માટે જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં ઢોર આડુ આવતા અકસ્માતની આ ઘટના બની હતી.

