New Delhi,તા.7
ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર બાદ તનાવભર્યા સબંધોમાં લશ્કરી તનાવ પણ વધ્યો છે તે વચ્ચે પાક.ના પૂર્વ વિદેશ મંત્રી બીલાવલ ભુટો ઝરદારીએ ભારત માટે વોન્ટેડ ત્રાસવાદીઓ અંગે કરેલા વિધાનથી પાકિસ્તાનના ત્રાસવાદી આકાઓમાં જબરો ગભરાટ ફેલાયો છે.
પાકિસ્તાન સરકાર ભારતને ખુશ કરવા હાફીઝ સઈદ અને મસુદ અઝહર જેવા ભારત માટે વોન્ટેડને સુપ્રત કરી દેશે તેવી ચીંતા આ ત્રાસવાદી નેતાઓમાં સર્જાતા જ તેઓ હવે ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.
અલ જઝીરાને આપેલી એક મુલાકાતમાં બીલાવલ ભુટોએ ત્રાસવાદી સંગઠનોના વડાઓના નામ લીધા વગર કહ્યું હતું કે ભારત માટે જે ‘ચિંતાજનક વ્યકિતઓ’ તેને સુપ્રત કરવામાં પાકિસ્તાન તૈયાર છે. તેમને એ સાથે દર્શાવ્યું કે ભારતે પણ સહકાર માટે તૈયારી બતાવવી પડશે.
તેઓએ જો કે કોઈ ત્રાસવાદી આકાનું નામ લીધુ ન હતું પરંતુ ચોકકસ પણે તેમનો ઈશારો જૈસે મહમદ અને લશ્કરે તોયબાને હાફીઝ સઈદ સહિતના ત્રાસવાદીઓ સામે હતો જેનો પ્રતિભાવ આપતા હાફીઝ સઈદના પુત્રએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકાર આ રીતે તેના જ દેશના નાગરિકો સાથે વર્તન કરી શકો નહીં.
જોકે બીલાવલે તેમના વિધાનોને વધુ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે એ સાચુ નથી કે હાફીઝ સઈદ પાકિસ્તાનમાં મુકત રીતે ઘુમે છે અને તે જેલમાં છે. જયારે મસુદ અઝહર અફઘાનીસ્તાનમાં હોવાનું માનવામાં આવે છે. જો ભારત સરકાર પુરાવા આપતી હોય તો અમે તેની ધરપકડ કરવા આતુર છીએ.