Washingtonતા.૨
અમેરિકી સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વન બિગ બ્યુટિફૂલ બિલ ખુબ જ પાતળા માર્જિનથી પાસ થઈ ગયું. ૯૪૦ પાનાવાળા આ બિલને ૫૦-૫૦ની બરાબરીવાળા વોટિંગ બાદ ઉપર રાષ્ટ્રપતિ જેડી વેન્સે આગળ વધાર્યું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી અમેરિકી કોંગ્રેસને બિલ પાસ કરવા માટે ૪ જુલાઈ ૨૦૨૫ સુધીની સમયમર્યાદા અપાયેલી છે. આ બિલમાં સૈન્ય ખર્ચમાં ૧૫૦ બિલિયન ડોલરનો વધારો અને રાષ્ટ્રપતિના માસ ડિપોર્શન પ્રોગ્રામ માટે જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં ટ્રમ્પના પહેલા કાર્યકાળના ટેક્સ કાપમાં ૪.૫ ટ્રિલિયન ડોલરના વિસ્તારની પણ જોગવાઈ છે. આ ઉપરાંત બિલમાં મેડિકેડ હેલ્થ ઈન્શ્યુરન્સ પ્રોગ્રામ પર ૧.૨ બિલિયન ડોલરસુધીના કાપનો પણ પ્રસ્તાવ છે. જેમાં લગભગ ૮.૬ મિલિયનથી ઓછી આવકવાળા વિકલાંગ અમેરિકનોને હેલ્થ ચેકઅપથી વંચિત રહેવું પડી શકે છે.
એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ આ બિલ રાતભર ચાલેલા સત્ર દરમિયાન પાસ થયું. માત્ર ડેમોક્રેટિક્સ જ નહીં પરંતુ રિપબ્લિકન પાર્ટી તરફથી પણ આ બિલે ઘણો વિરોધ ઝેલવો પડ્યો. આ બિલ હવે પ્રતિનિધિ સભામાં પાસ થઈ જશે. ડેમોક્રેટ્સ અહીં તેમના માટે બાધા બની શકે છે. કેટલાક રિપબ્લિકન્સ પર વિરોધ કરે તેવી શક્યતા છે. જ્યારે ટેસ્લાના માલિક એલન મસ્કના પણ ટ્રમ્પની સાથે વન બિગ બ્યુટીફૂલ બિલ અંગે મતભેદ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે જો આ બિલ પાસ થયું તો તેઓ નવી પાર્ટી શરૂ કરશે.
મસ્કે બિલ વિશે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, જો આ પાગલપણાવાળું ખર્ચ બિલ પાસ થઈ જાય તો બીજા જ દિવસે અમેરિકા પાર્ટીની રચના થશે. તેમણે કહ્યું કે, આપણા દેશને ડેમોક્રેટિક-રિપબ્લિકન યુનિપાર્ટીના વિકલ્પની જરૂર છે. જેથી કરીને લોકો પાસે ખરેખર એક અવાજ હોય. મસ્કે કોંગ્રેસના તે સભ્યોની પણ ટીકા કરી જેમણે સરકારી ખર્ચને ઘટાડવા માટે અભિયાન ચલાવ્યું હતું. પરંતુ બિલનું સમર્થન કર્યું હતું.