વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સતત તેજીના વળતા પાણી થઈ રહ્યા છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ આવેલી વિક્રમી તેજીને બ્રેક લાગીને છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવિધ ક્રિપ્ટોકરન્સીના ભાવો તૂટતાં જોવાઈ રહ્યા છે. યુ.એસ. ફેડરલ રિઝર્વના ગત સપ્તાહમાં સાવચેતીભર્યા આઉટલૂકના પરિણામે બિટકોઈનના ભાવ ગત સપ્તાહથી સતત તૂટી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ બિટકોઈનના ભાવમાં ગત સપ્તાહમાં પ્રથમ વિકલી ઘટાડો નોંધાયો હતો. જે ઘટાડો સતત આગળ વધતો જોવાઈ રહ્યો છે. આ દરમિયાન બિટકોઈન(બીટીસી)નો ઉછાળો સતત ધોવાતો રહી ભાવ ૯૬,૦૦૦ ડોલરની સપાટી પણ ગુમાવી દઈ ૯૫૫૧૯ ડોલર આવી ગયા છે. કોઈનમાર્કેટકેપ મુજબ બિટકોઈનના ભાવમાં એક દિવસમાં ૦.૭૬ ટકા જેટલો ઘટાડો થયો છે. ભારતીય એક્સચેન્જ મુજબ બીટીસીનો ભાવ રૂ.૮૧.૩૪ લાખ જેટલો રહ્યો છે.
અન્ય ક્રિપ્ટોકરન્સીમાં ઈથેરમનો ઈટીએસનો ભાવ ૦.૦૩ ટકા ઘટીને ૩૩૧૯.૧૮ ડોલર એટલે કે રૂ.૨.૮૨ લાખ જેટલા રહ્યા છે. ડોજેકોઈનના ૧.૬૩ ટકા વધીને ૦.૩૧૫૨ ડોલર એટલે કે ભારતમાં રૂ.૨૬.૮૭ જેટલા રહ્યા છે. લિટેકોઈનના ભાવ ૪.૧૭ ટકા વધીને ૧૦૨.૬૪ ડોલર એટલે કે રૂ.૮૭૩૨ જેટલા છે. ક્રિપ્ટોકરન્સીઝનું વૈશ્વિક માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઘટીને ૩.૩૪ લાખ કરોડ ડોલરની સપાટી અંદર ઉતરી ગયું છે