New Delhi,તા.15
વિશ્વની સૌથી જૂની, સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત આજે 1,21,000 ડોલરને પાર કરી ગઈ છે. યુ.એસ. માં ખાધ ખર્ચના સંકટને કારણે બિટકોઇન વેગ પકડી રહ્યો છે.
આ વર્ષે તેની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે. ઘણાં પ્રાઈસ મોડલ મુજબ બિટકોઈનની કિંમત 200,000થી 10 લાખ ડોલર સુધી પહોંચી શકે છે. જો બિટકોઇનની કિંમત 3,70,000 ડોલર સુધી પહોંચી જાય છે, તો તેના નિર્માતા સતોશી નાકામોટો વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ બની જશે. એલોન મસ્ક હાલ આ સિંહાસન પર બેઠા છે, જેમની કુલ સંપત્તિ 360 અબજ ડોલર છે.
નાકામોટોને બિટકોઈનના નિર્માતા માનવામાં આવે છે. દુનિયામાં હજુ સુધી કોઈએ તેનો ચહેરો જોયો નથી. નાકામોટોએ ઓક્ટોબર 2008 માં જાહેર એમઆઈટી લાઇસન્સ હેઠળ બિટકોઇન વ્હાઇટપેપર બહાર પાડ્યું હતું.
3 જાન્યુઆરી, 2009ના રોજ બિટકોઇનનો પ્રથમ બ્લોક કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે જ બિટકોઈન નેટવર્કનું લોન્ચિંગ ઔપચારિક રીતે શરૂ કરવામાં આવ્યું હતું. આનાથી ક્રિપ્ટોકરન્સી અને બ્લોકચેન શરૂ થઈ હતી.
કેવી રીતે વધી કિંમત
જાન્યુઆરીથી જુલાઈ 2009 ની વચ્ચે, નાકામોટોએ એક મિલિયનથી વધુ બિટકોઇન્સ ટંકશાળ પાડ્યાં હોવાનું માનવામાં આવે છે. હાલનાં ભાવે નાકામોટો પાસે લગભગ 130 અબજ ડોલરના બિટકોઇન્સ છે.
આ મુજબ તે હાલ દુનિયાનાં 12માં સૌથી અમીર વ્યક્તિ છે. જો બિટકોઇનની કિંમત 3,70,000 ડોલર સુધી પહોંચી જાય છે, તો નાકામોટોની નેટવર્થ 370 અબજ ડોલર સુધી પહોંચી જશે. આ રીતે, તે મસ્કને પાછળ છોડી દેશે અને વિશ્વનો સૌથી મોટો પૈસાદાર માણસ બની જશે.
2010માં બિટકોઇનની કિંમત 0.5 ડોલર હતી. એક વર્ષ બાદ 2011માં તેની કિંમત 31.9 ડોલર સુધી પહોંચી ગઇ હતી પરંતુ 2012માં તે ઘટીને 15.4 ડોલર થઇ ગઇ હતી. 2013માં તે 1,241 ડોલર સુધી પહોંચ્યો હતો. જે 2014માં ઘટીને 1,093 ડોલર અને 2015માં 492 ડોલર થઈ ગઈ હતી.
2016માં તેની કિંમત 982 ડોલર અને 2017માં 19,870 ડોલર સુધી પહોંચી હતી. તેમાં 2018 અને 2019માં ઘટાડો થયો હતો. જે 2020માં 29,298 ડોલર, 2021માં 68,990 ડોલર, 2022માં 48,199 ડોલર, 2023માં 44,697 ડોલર અને 2024માં 108,244 ડોલર સુધી પહોંચી હતી.