બિટકોઈન આધારિત ETF માટે નવેમ્બર મહિનો ભારે સાબિત થઈ રહ્યો છે. અમેરિકામાં લિસ્ટેડ બિટકોઈન ETFsમાંથી રોકાણકારોએ ચાલુ મહિને અંદાજીત ૩.૫ અબજ ડોલર પાછા ખેંચ્યા છે, જે છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો માસિક આઉટફ્લો છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં ૩.૬ અબજ ડોલરના આઉટફ્લો બાદ આ મહિનાનો આંકડો સૌથી ઊંચો છે. બ્લેકરોક ઈન્ક.ના લોકપ્રિય બિટકોઈન ફંડ IBIT પર સૌથી વધુ દબાણ દેખાઈ રહ્યું છે. ફંડમાંથી માત્ર નવેમ્બર માસમાં જ ૨.૨ અબજ ડોલરનું રિડમ્પ્શન નોંધાયું છે. બિટકોઈનની કિંમતોમાં રિકવરી ન થાય તો IBIT માટે નવેમ્બર સૌથી ખરાબ મહિનો બની શકે છે.
બ્લેકરોક ગ્રુપની કુલ એસેટ્સમાં IBITનો હિસ્સો ૬૦% જેટલો છે. શુક્રવારે બિટકોઈન ETFsમાં ૧૧.૫ અબજ ડોલરનું રેકોર્ડ ટ્રેડિંગ વોલ્યુમ થયા, જેમાંથી એકલા IBITમાં ૮ અબજડોલરના સોદા પડ્યા હતા અને ૧૨૨ મિલિયનનો આઉટફ્લો થયો હતો. બિટકોઈનના ભાવમાં પણ ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. શુક્રવારે તે એક તબક્કે ૮૦૫૫૩ ડોલર સુધી તૂટ્યો હતો, ત્યારબાદ તેમાં થોડી રિકવરી આવી હતી. સોમવારે તે વોલેટિલિટી વચ્ચે ૮૬૨૦૦ ડોલર આસપાસ ટ્રેડ થતો હતો અને ઈન્ટ્રાડે તે ૮૫૬૯૨ ડોલર સુધી નીચે સરક્યો હતો.
ક્રિપ્ટોકરન્સી સેગમેન્ટમાં બિટકોઈન ‘સેન્ટિમેન્ટ ડ્રાઈવર’ બની ગયો છે, તેથી તેમાંનાં ઉતાર – ચઢાવનો વ્યાપક અસર સમગ્ર ક્રિપ્ટો બજાર પર જોવા મળે છે. વર્ષ ૨૦૨૨ના FTX કૌભાંડ પછી ક્રિપ્ટો માર્કેટમાં સારી રિકવરી જોવા મળી હતી, પરંતુ વર્તમાન મહિનામાં ફરીથી નેગેટિવ સેન્ટિમેન્ટ હાવી થયું છે. બિટકોઈન ETFsમાંથી ૧ અબજ ડોલરનો આઉટફ્લો ભાવમાં લગભગ ૩.૪% ઘટાડો લાવે છે, જ્યારે એટલો જ ઈન્ફ્લો ભાવને ૩.૪% સુધી વધારી શકે છે. એક રિસર્ચ હાઉસે અંદાજ વ્યક્ત કર્યો છે કે ડિસેમ્બર માસના અંત સુધીમાં બિટકોઈન ૮૨૦૦૦ ડોલર સુધી નીચે આવી શકે છે.

