New Delhi,તા.22
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પાછળ ગઈકાલે જ અચાનક જ બનેલી ઘટનાઓ કારણભૂત ગણવામાં આવે છે અને રાજકીય રીતે ચર્ચાતી વિગત મુજબ શ્રી ધનખડથી ભાજપ અને શાસક પક્ષના નેતાઓ અચાનક જ નારાજ થઈ ગયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માની સામે ઈમ્પીચમેન્ટની જે કાર્યવાહીમાં લોકસભામાં શાસક ભાજપ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને તેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાએ આગળની પ્રક્રિયા નિશ્ચિત કરવા ત્રણ સભ્યોની કમીટી પણ બનાવવા નિર્ણય લીધો હતો.
જે જસ્ટીસ વર્મા સામેના આરોપોમાં જઈને તેમની સામે મહાભિયોગની દરખાસ્ત તૈયાર કરશે. આ જ સમયે વિપક્ષોએ પણ અલગથી રાજયસભામાં જસ્ટીસ વર્મા સામે જે મહાભિયોગ દરખાસ્ત રજૂ કરી તે ઉપ રાષ્ટ્રપતિ ધનખડે સ્વીકારી લેતા સરકારના ભવા ઉંચકાયા હતા.
પ્રથમ વખત એવું બન્યું છે કે, કોઈ જજને તેમના હોદા પરથી દુર કરવા માટે લોકસભા અને રાજયસભા બન્નેમાં દરખાસ્ત સમારંતર રીતે રજૂ થયું હોય અને જે રીતે જગદીપ ધનખડે વિપક્ષની દરખાસ્ત સ્વીકારી તે મુદે જ આ વિવાદ સર્જાયો હોવાનું માનવામાં આવે છે.
આ માટે ગઈકાલે બપોરે 12-30 વાગ્યે ઉપ રાષ્ટ્રપતિના અધ્યક્ષ પદ હેઠળ રાજયસભાની કામકાજ બાબતોની સમિતિ મળી હતી જેમાં ગૃહના નેતા જે.પી. નડ્ડા અને સંસદીય બાબતોના મંત્રી કિરણ રીજજુ હાજર હતા અને ટુંકી ચર્ચા બાદ બપોરે 4-30 વાગ્યે ફરી બેઠક માટે નિર્ણય લેવાયો હતો.
પરંતુ આ દરમ્યાન વિપક્ષની દરખાસ્ત સ્વીકારી લેતા તૂર્ત જ શાસક છાવણીમાં જબરો ખળભળાટ મચી ગયો આ તબકકે ઉપ રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ નેતા વચ્ચે ટેલીફોન ઉપર જબરી ચર્ચા થઈ હતી. આ પૂર્વે પણ ગૃહના નેતા જે.પી. નડ્ડાના કેટલાક વિધાનો મુદે પણ વિવાદ થયો હતો.
જેમાં ઉપ રાષ્ટ્રપતિ અંગે નડ્ડાના કેટલાક વિધાનો સીધુ જ ધનખડના અપમાન જેવું હતું પરંતુ નડ્ડાએ તે રેકોર્ડમાં લેવા આગ્રહ રાખ્યો હતો. અને બાદમાં એ પણ બન્યું કે રાજયસભામાં ગઈકાલે કામકાજના પ્રારંભ જે રીતે વિપક્ષના નેતા મલ્લીકાર્જૂન ખડગેને ઓપરેશન સિંદૂર અંગે બોલાવા દેવાયા તે અંગે પણ નારાજગી હતી.
ઓપરેશન સિંદૂર અંગે રાજયસભામાં ચર્ચા થવાની છે છતા વિપક્ષના નેતાને બોલાવા દેવાયા તે મુદે પણ નારાજગી સર્જાઈ અને અંતે બપોરે 4-30ની બેઠકમાં જે.પી. નડ્ડા કે કિરણ રીજજુ હાજર ન રહ્યા અને તેઓ હાજર રહી શકશે તેવી જાણ પણ ન કરી તે મુદો પણ ભળી ગયો હતો.