New Delhi,તા.૨૧
હાલમાં જ અમેરિકાની મુલાકાતે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શીખો પર આપેલા નિવેદનોને કારણે બીજેપીના નિશાના પર છે. હવે રાહુલ ગાંધીએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ભાજપ તેમના નિવેદનોને લઈને જુઠ્ઠાણું ફેલાવી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ઠ પર એક પોસ્ટમાં ભાજપ પર પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં લખ્યું- ભાજપ અમેરિકામાં મારી ટિપ્પણીઓને લઈને જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. હું ભારત અને વિદેશમાં રહેતા દરેક શીખ ભાઈ-બહેનને પૂછવા માંગુ છું – મેં જે કહ્યું છે તેમાં કંઈ ખોટું છે? શું ભારત એવો દેશ ન હોવો જોઈએ જ્યાં દરેક શીખ – અને દરેક ભારતીય – કોઈપણ ભય વિના તેમના ધર્મનું પાલન કરી શકે?
રાહુલ ગાંધીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું – હંમેશની જેમ ભાજપ જૂઠાણાંનો સહારો લઈ રહી છે. તેઓ મને ચૂપ કરવા માટે ભયાવહ છે કારણ કે તેઓ સત્યનો સામનો કરી શકતા નથી. પરંતુ હું હંમેશા એવા મૂલ્યો માટે બોલીશ જે ભારતને વ્યાખ્યાયિત કરે છેઃ વિવિધતા, સમાનતા અને પ્રેમમાં આપણી એકતા.
અહીં, કેટલાક શીખ જૂથોના સંયુક્ત નિવેદનને ટાંકીને ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે. બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અનેક શીખો અને ગુરુદ્વારા મેનેજમેન્ટ બોડી આ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયને મળ્યા હતા અને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શીખોના બલિદાનથી દેશ મજબૂત બન્યો છે.
ભાજપે ગાંધીને તેમની યુએસ મુલાકાત દરમિયાન કરેલી ટિપ્પણી માટે નિશાન બનાવ્યા છે કે ભારતમાં ચાલી રહેલી વૈચારિક લડાઈમાં બહુવિધ ધર્મોની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે.
બીજેપી નેતા મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું કે શીખ સંગઠનોએ રાહુલ ગાંધીને તેમનું નિવેદન પાછું ખેંચવા વિનંતી કરી છે કારણ કે તેનાથી તેમને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ગુરપતવંત સિંહ પન્નુ જેવી રાષ્ટ્ર વિરોધી શક્તિઓએ રાહુલ ગાંધીની ટિપ્પણીનો ફાયદો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે રાહુલ ગાંધી શીખોની ભાવનાઓનું સન્માન કરશે અને અમેરિકામાં આપેલું પોતાનું નિવેદન પાછું ખેંચશે.