ચૂંટણી નામાંકન સોગંદનામામાં તેમની ઉંમર વિશે ખોટી માહિતી આપીને કોર્ટ અને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે
Patna, તા.૯
બિહારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરી માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ચૂંટણી નામાંકન સોગંદનામામાં તેની ઉંમર વિશે ખોટી માહિતી આપીને કોર્ટ અને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યા છે.
અરજદારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે સમ્રાટ ચૌધરીને તેમના નાયબ મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવા, તેમનું નામાંકન રદ કરવા અને તેની સામે હ્લૈંઇ દાખલ કરવાનો આદેશ આપવામાં આવે.
અરજીમાં સમ્રાટ ચૌધરીના ભૂતકાળના દસ્તાવેજો અને ચૂંટણી સોગંદનામામાં રહેલા વિરોધાભાસોને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે.અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૧૯૯૫માં એક ફોજદારી કેસમાં સમ્રાટ ચૌધરીએ પોતાની ઉંમર માત્ર ૧૫ વર્ષ જણાવી હતી. જો કે, માત્ર ચાર વર્ષ પછી વર્ષ ૧૯૯૯ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાને ૨૫ વર્ષના જાહેર કર્યાં હતા. અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૫ની ચૂંટણીના સોગંદનામામાં તેમની ઉંમરની વિગતો મેળ ખાતી નથી. અરજદારના મતે, આ વિરોધાભાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણે પોતાની ઉમેદવારીને કાયદેસર બનાવવા માટે જાણી જોઈને ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા.
રાજકીય વ્યૂહરચનાકાર અને જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરે પણ અગાઉ આ મુદ્દો ઊઠાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે સમ્રાટ ચૌધરીએ વર્ષ ૧૯૯૫ના તારાપુર હત્યાકાંડ કેસ (કેસ નં. ૪૪/૧૯૯૫)માં સગીર હોવાનો દાવો કરીને કાયદાકીય રાહત મેળવી હતી. પ્રશાંત કિશોરે દાવો કર્યો હતો કે, સમ્રાટ તે વખતે આરોપી નહીં, પરંતુ દોષિત હતા, જેમણે જન્મ તારીખમાં હેરાફેરી કરીને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોર્યા. તેમના ૨૦૨૦ના સોગંદનામા મુજબ તેઓ ૫૧ વર્ષના છે, એટલે કે ૧૯૯૫માં તેમની ઉંમર ૨૪-૨૫ વર્ષ રહી હશે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજદારે ચૂંટણી પંચને સમગ્ર મામલાની તપાસ કરવા અને યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવાની માંગ પણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થયા બાદ આ મામલાએ રાજકીય તૂલ પકડ્યું છે અને વિપક્ષ આને નૈતિકતાનો મુદ્દો બનાવીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

