Rajkot,તા.16
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે પ્રથમ વખત રાજકોટ આવતા શહેર ભાજપમાં પણ અનેક નવા સમીકરણો સર્જાશે તેવા સંકેત છે. શ્રી વિશ્વકર્માએ તેની નવી ટીમ હજુ પુરી તૈયાર કરવાની છે તો રાજકોટ શહેર જીલ્લા સહિતના રાજયભરમાં મહાનગર-જીલ્લા સંગઠનમાં પણ ફકત પ્રમુખ જ નિયુક્ત થયા છે.
અન્ય તમામ નિયુક્તિઓમાં પણ નવા પ્રમુખ અને તેની નવી ટીમની ભૂમિકા હશે તે નિશ્ચિત છે. કાલે રાજય મંત્રીમંડળના વિસ્તરણ બાદ પક્ષ પ્રમુખ તે એજન્ડા હાથમાં લેશે તેવા સંકેત છે અને હવે નવી ટીમ દિવાળી પછી જ આવી શકે. બીજી તરફ કાલે પ્રદેશ પ્રમુખના સ્વાગત અને તેમની સાથે તસ્વીર ખેચાવવા તેમની નજરમાં આવી જવાય તે ખાસ જોવાયું હતું.
રાજકોટ શહેર ભાજપના પ્રમુખશ્રી માધવ દવે માટે પણ નવા પ્રદેશ પ્રમુખ પુરી રીતે ખુશ થઈને પરત જાય તે જોવામાં કોઈ કસર છોડી નહી. શ્રી જગદીશ વિશ્વકર્માએ પ્રમુખ બનતા જ તેઓ બુકે (ફુલના ગુલદસ્તા) નહી પણ બુક સ્વીકારશે તેવી જાહેરાત કરી હતી પણ કાલે તેમનું `બારાત’ જેવું સ્વાગત થયું તો બીજી તરફ શ્રી વિશ્વકર્માની અપીલ બાદ બાળકોને શિક્ષણમાં ઉપયોગી થાય તેવી નોટબુક-ચોપડાઓ સાથે સંખ્યાબંધ કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા પણ જે રીતે પ્રમુખનું સ્વાગત કરવામાં જબરો ઉત્સાહ જોવા મળતો હતો.
તેથી તેઓ પ્રમુખ સુધી પહોંચી શકયા કે કેમ તે પ્રશ્ન હતો. બીજી તરફ અત્યાર સુધી ભાજપના કાર્યક્રમના `આમંત્રણ’ નહી મળવાથી ઈરાદાપૂર્વક ગેરહાજરી નોંધાવનાર અનેક મહાનુભાવો ગઈકાલે હાજર હતા જેમાં પુર્વ પ્રમુખ નીતીન ભારદ્વાજ પુર્વ મહામંત્રી કશ્યપ શુકલા અને તેની સાથે જ પુર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ એક સાથે બેસેલા જોવા મળ્યા હતા તો યુવા ભાજપના પ્રમુખ અને શહેરના નવા સંગઠનમાં અથવા મહાપાલિકા ચૂંટણીમાં `તક’ માટે ફેવરીટ ગણાતા યુવા ભાજપ પ્રમુખ કીશન ટીલવાએ 2000થી વધુ બાઈકની રેલી યોજી પ્રમુખને ખુશ કરી દીધા હતા.
શ્રી વિશ્વકર્માએ રાજકોટના ઈતિહાસ અને ભાજપ જનસંઘનો સમય યાદ કરી સ્વ. ચિમનભાઈ શુકલા, સ્વ. સુર્યકાંત આચાર્ય, સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ.કેશુભાઈ પટેલને ખાસ યાદ કર્યા. રસપ્રદ બાબત એ છે કે ભાજપને હવે સ્વ. કેશુભાઈ પટેલ યાદ આવવા લાગ્યા છે તે પણ સૂચક છે તો વિશ્વકર્માએ રાજકોટની ઉંઘ અને મિઠાઈ બન્નેને યાદ કર્યા હતા. પ્રમુખનું આગમન તેમના શેડયુલથી લગભગ દોઢ કલાક મોડુ શરૂ થયું.
જો કે શ્રી વિશ્વકર્માએ તેનો ખુલાસો કરતા કહ્યું કે હું તો સમયસર જ હતો પણ ટ્રાફીક નડી ગયો તેમાં તેઓને અમદાવાદ એરપોર્ટ પર ભારે એરટ્રાફીકથી તેમનું વિમાન ટેક ઓફ થાય તેના એક કલાક રાહ જોવી પડી હતી અને રાજકોટમાં તેઓને કાર બાઈક રેલી પણ વિલંબ સર્જી હતી. જેના કારણે સમારોહમાં જાહેરાત કરવી પડી હતી કે ભોજન હજુ શરૂ થયુ નથી!!!