New Delhi,તા.25
લાંબા સમયથી વિલંબમાં રહેલા ભાજપના રાષ્ટ્રીયથી લઈને ગુજરાત સહિતના રાજયોના પ્રદેશ પ્રમુખોની નિયુક્તિમાં હવે સંસદનું ચોમાસુ સત્ર પુરુ થતા આ પ્રક્રિયા આગળ વધે તેવા સંકેત છે.
ભાજપનો સંગઠન એજન્ડાની સાથે હવે બિહાર ચૂંટણી એજન્ડા પણ પ્રાયોરીટીમાં આવી ગયા છે તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી તા.9 સપ્ટેમ્બરના યોજાશે. જો કે પક્ષે તેમાં હવે એનડીએના ઉમેદવાર પી.એસ.રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત બને તે બાજી ગોઠવી છે અને તા.9ના સાંજે નવા ઉપરાષ્ટ્રપતિ મળી જશે પણ તે શ્રાદ્ધ પક્ષમાં શપથ લેશે.
હાલમાં જ રાજીનામું આપનાર પુર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ થોડા કલાકો માટે ભાજપને ચિંતામાં મુકી ગયા હતા પણ કોઈ ડેમેજ થાય તે પુર્વે જ પક્ષે ધનખડને રાજીનામું અપાવીને સમગ્ર પ્રકરણનો અંત લાવવામાં આવ્યો હતો. હવે ભાજપ તા.7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે તે પુર્વે ગુજરાત સહિતના રાજયોના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પ્રમુખ નિશ્ચિત કરી લે તેવી શકયતા છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ હવે વધુ સમય નથી. બિહાર જ નહી ગુજરાત-મહારાષ્ટ્ર જેવા રાજયોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે અને ઉતરપ્રદેશ જેવા રાજયમાં પ્રદેશ પ્રમુખ અંગે જે રીતે દ્વીધા છે તેના કારણે યોગી સરકારના સાથી પક્ષો માને છે કે ભાજપને ભીડવવાનો આ શ્રેષ્ઠ સમય છે.
ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજયના પ્રવાસે છે અને સાંજે રાજભવનમાં તેઓ મુખ્યમંત્રી સહિત પક્ષના અગ્રણી નેતાઓને મળશે તેવી ચર્ચા છે. બીજી તરફ તા.7થી જોધપુરમાં આરએસએસની ત્રણ દિવસની સંકલન બેઠક યોજાશે.
જેમાં સંઘના વડા મોહન ભાગવત ઉપરાંત સંઘની તમામ સહયોગી સંસ્થા જેમાં ભાજપનો પણ સમાવેશ તેના સહિત 32 સંગઠનોના પ્રતિનિધિ હાજર રહેશે અને તેમાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ પણ ઉપસ્થિત રહી શકે છે.
હાલના તબકકે અપેક્ષિતમાં જે.પી.નડ્ડાનું નામ છે. સૂત્રો કહે છે આ પુર્વે ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ નિશ્ચિત થશે. ભાજપ કોઈ રીતે એ સંકેત આપવા માંગતો નથી કે નવા રાષ્ટ્રીય પ્રમુખનું નામ સંઘે નિશ્ચિત કર્યુ છે.
આમ તા.7 સપ્ટેમ્બર મહત્વની બની ગઈ છે. બીજી તરફ એ પણ સંકેત છે કે દિલ્હીમાં ગુજરાત-યુપી સહિતના ભાજપના પ્રદેશ પ્રમુખોના નામો નિશ્ચિત છે. એક વખત તમામ શેડયુલને લીલીઝંડી મળે કે તુર્તજ તેની જાહેરાત પ્રક્રિયા આગળ વધશે.