Devbhoomi Dwarka,તા.18
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી.
ભાજપ ખાતું પણ ખોલાવી ન શકી
સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતાં ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા બાદ સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદૂ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આઈ છે, જ્યારે 15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો ચોડ્યો છે. પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે.
સલાયાની જનતાએ ભાજપને નકારી દીધો
ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી. સલાયાની પ્રજાએ સતત બીજીવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષને પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઇપણ ભોગે ન જોઇએ. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા.