Bhavnagar,તા.01
ભાવનગરમાં ભાજપના કાર્યકર હોવું એટલે જે-તે કામનો કોઈ અનુભવ હોય કે ન હોય પણ મહાપાલિકાના કોન્ટ્રાક્ટર બની જવાનું મોટું લાઈસન્સ છે. આવું એક-બે નહીં પણ એક ડઝન જેટલી બાબતોમાં પ્રતિપાદિત થાય છે. પરિણામે ગુજરાતી કહેવત પ્રમાણે ‘ઘરના ભૂવા અને ઘરના ડાકલા’ જેવો ઘાટ સર્જાયો છે.ભાજપના માજી વોર્ડ પ્રમુખ રાજુ લુખ્ખી પણ મહાપાલિકાના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. મહાપાલિકાના માજી ડેપ્યુટી મેયર પ્રભાબેન પટેલ ગટરના ઢાંકણા, ટ્રીગાર્ડ અને બાંકડાના કામ તો ભાજપના હોદ્દેદાર રહેલા યોગેન્દ્ર ડોડીયા પણ બાંકડાના, ટ્રીગાર્ડ અને રોડના કામ રાખી ચૂક્યા છે. શિક્ષણ સમિતિના માજી સભ્ય પ્રતાપભાઈ પરમાર પણ ટ્રીગાર્ડ, બાંકડા, ડ્રેનેજ અને બ્લોકના કામ સાથે સંકળાયેલા રહ્યા છે તો ભાજપના પીરછલ્લા વોર્ડ પ્રમુખ મિહિર સોની ગટરના, બ્લોકના કામ સાથે અને ભાજપના કાર્યકર નરેન્દ્ર સોલંકી ગાર્ડન વિભાગમાં કામ રાખે છે. જ્યારે વડવા બ વોર્ડના ભાજપના કાર્યકર હિરેન મોરડિયા ડ્રેનેજમાં કામ રાખે છે તો એ જ વોર્ડના ભાજપના કાર્યકર મનીષ ભટ્ટ ડ્રેનેજ, ગાર્ડન, એસ્ટેટના કામ રાખતા હોવાની ચર્ચા છે.
ચાલી રહેલી ચર્ચા મુજબ મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીનો હોલ બનાવાયો છે તેનો કોન્ટ્રાક્ટ કિરીટભાઈને મળ્યો હતો. કિરીટભાઈ કોર્પોરેટર રાજુ પંડયાના વેવાઈ થાય છે. પૂર્વ કોર્પોરેટર અનિલ ત્રિવેદીના ભાઈ ગાર્ડન વિભાગમાં કોન્ટ્રાક્ટર છે. પૂર્વ કોર્પોરેટર મુકેશ પટેલ પણ કોન્ટ્રાક્ટર રહી ચૂક્યા છે. અગાઉ ડ્રેનેજના કોન્ટ્રાક્ટ પ્રકરણે વિવાદ થતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પંકજસિંહ ગોહિલ અને નગરસેવક કુલદીપ પંડયાને તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
જાણકાર સૂત્રોનું કહેવું છે કે, શહેર ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ મુકેશ ચૌહાણને કૈલાસવાટિકા ખાતે આવેલ તખ્તસિંહજી હોલ ઓપરેશન અને મેન્ટેનન્સ માટે થોડા વર્ષ પૂર્વે ફાળવાયો હતો. તો શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બાંભણિયા મોતીબાગ ટાઉન હોલ પાછળ આવેલ અટલ બિહારી વાજપેયી હોલનું સંચાલન કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.