Navsari,તા.18
નવસારીના વિજલપોરમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરી હતી. શિવાજી ચોક અને ગ્રીનપાર્ક સોસાયટીના પ્રવેશદ્વાર પાસે ફટાકડા ફોડીને કેક કાપવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ભાવેશ પાટીલે પોતાના સમર્થકો સાથે ફિલ્મી સ્ટાઇલમાં કારમાંથી એન્ટ્રી મારી હતી. તેમણે જાહેરમાં કેક કાપી અને ફટાકડાની આતશબાજી કરી હતી, જે જાહેરનામાનો ભંગ દર્શાવે છે. તાજેતરમાં સુરતમાં પણ ભાજપના હોદ્દેદારો દ્વારા સમાન રીતે જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી દરમિયાન નગરપાલિકાના માજી ઉપપ્રમુખ, નગરસેવક અને વિજલપોર શહેર પ્રમુખ સહિતના ભાજપના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટનાથી જાહેરનામાના ભંગનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
પોલીસ આ મામલે વિજલપોર પોલીસ સ્ટેશનના PI નિલેશ રાઠોડનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, વીડિયોની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. પોલીસ આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.