Surat,તા.૧૨
નાસ્તાના ખર્ચ જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદ લોહિયાળ ખેલ ખેલાયો હોવાની ગંભીર ઘટના શહેરના લીંબાયત વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં બે નરાધમોએ ભોગબનનારને ભરબજારે ચપ્પુ વડે રહેંસી નાખ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે, એક આરોપી અને મૃતક બંને મામા-ફોઈના ભાઈઓ થાય છે. જેથી આ ઘટનાએ આખા શહેરને હચમચાવી મુક્યું છે.
ઘટનાની મળતી વિગતો મુજબ, ગઈકાલે આસ્તીકનગર વિસ્તારમાં નિરંકારી કિરાણા સ્ટોર પાસે સાંજે ૫ વાગ્યાની આસપાસ એક મર્ડરનો બનાવ બન્યો હતો. જેની જાણ થતા જ લીંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતકની ઓળખ રવીન્દ્ર પાટીલ તરીકે થઈ હતી. જેનું મોત ચપ્પુ વડે પીઠ, બગલ અને ગળા ખાતે ગંભીર ઈજાઓને કારણે થયું હતું.
વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ઘટનામાં બે આરોપીઓ દેવીદાસ ઉર્ફે દાદુ સુખદેવ પાટીલ (૨૪) અને સન્ની ઉમેશ હલવાઇ (૨૨) સંડોવાયેલા છે. આ બંને મૃતક રવીન્દ્રના ઓળખીતા હતા. ઘટના સમયે ત્રણેય એકબીજા સાથે બેઠા હતા, ત્યારે ત્રણેય વાતચીત કરતા હતા કે, ’આપણે પોત પોતાના ખર્ચે નાસ્તો કરવા જઈએ.’ દરમિયાન પૈસા આપવાના મુદ્દે થોડી બોલાચાલી શરુ થઈ અને આ બોલાચાલી એટલી ઉગ્ર બની કે દાદુ અને સન્નીએ ચપ્પુ વડે રવીન્દ્ર પર હુમલો કર્યો હતો.
ઘટનામાં રવીન્દ્રને પીઠ, બગલ અને ગળા ખાતે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે બાદ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ બનાવની જાણ થતા જ લિંબાયત પોલીસે તરત કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં બંનેને ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યા મુજબ આરોપીઓએ કડકાઈથી કરાયેલા ઇન્ટરોગેશન દરમિયાન ગુનો કબૂલ કર્યો છે.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મૃતક રવીન્દ્ર પાટીલ અને આરોપી દાદુ પાટીલ બંને કૌટુંબિક મામા-ફોઈના ભાઈઓ થાય છે, અને અન્ય આરોપી પણ ઓળખીતો જ છે. આ ત્રણેય વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી અને ગઈકાલે મામૂલી મુદ્દે શરૂ થયેલો ઝઘડો જીવલેણ બન્યો હતો. દુઃખદ બાબત એ છે કે મૃતક અને આરોપીઓ પરિવારના જ સભ્ય હતા.”
આ બનાવ બાબતે ડીસીપી ભગીરથ ગઢવીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ’બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. દાદુ પાટીલ સામે લિંબાયત વિસ્તારમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે સન્ની હલવાઇ સામે હત્યાના પ્રયાસ સહિત જુગાર અને પ્રોહિબિશનના કેસ નોંધાયેલા છે.
નાસ્તાના પૈસા જેવી નજીવી બાબતે મામા-ફોઈના ભાઈઓ વચ્ચે ખેલાયેલા આ લોહિયાળ ખેલે હાલ આખા સુરતને હચમચાવી મુક્યું છે. જેથી દિવસેને દિવસે સુરતમાં બની રહેલી ક્રાઈમની ઘટનાએ બાબતે પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉભા કરે છે. જોકે પોલીસે હાલ આ કેસમાં આરોપી પકડી પાડી હાલ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવાની તૈયારી ચાલી રહી છે.