Surendranagar,તા.16
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે લીંબડી તાલુકામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે લીંબડીના રાણાગઢ ગામે કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સટફિકેટ વગર ક્લિનિક ખોલી લોકોની તપાસ અને સારવાર કરી આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર હિંમતભાઈ ભાવુભાઈ નાયક (ઉ.વ.૫૫, રહે. રાણાગઢ)ને ઝડપી પાડયો હતો.