ધર્મેન્દ્ર ઘણા દિવસોથી બીમાર હતા : ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન, આમિર સહિત ઘણા કલાકાર, હેમા માલિની આઘાતમાં
મુંબઈ, તા.૨૪
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે નિધન થયું. અભિનેતા ઘણા દિવસોથી ઘરે સારવાર લઈ રહ્યા હતા. તેમને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦ નવેમ્બરના રોજ ધર્મેન્દ્રની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. ત્યારબાદ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને ગોવિંદા સહિતની હસ્તીઓ પીઢ અભિનેતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે હોસ્પિટલમાં જોવા મળી હતી. ધર્મેન્દ્રના મૃત્યુની અફવાઓ થોડા સમય પછી ફેલાઈ ગઈ હતી. બાદમાં, અભિનેતાની પત્ની હેમા માલિની અને પુત્રી એશા દેઓલે તેમના મૃત્યુના સમાચારને નકારી કાઢતા મેસેજ પોસ્ટ કર્યા હતા. સની દેઓલે પણ પોસ્ટ કર્યું હતું કે, પીઢ અભિનેતા સારવારનો પ્રતિભાવ આપી રહ્યા છે, અને સ્વસ્થ થઈ રહ્યા છે. જોકે, અભિનેતાએ આજે અંતિમ શ્વાસ લીધા. આ સમાચારથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
ધર્મેન્દ્રના અવસાનના સમાચાર બાદ, બોલિવૂડના અનેક સ્ટાર્સ આ દિગ્ગજ અભિનેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચન, તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે, પણ સ્વર્ગસ્થ અભિનેતાને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. સની દેઓલે પિતાને મુખાગ્નિ આપી હતી. બોલિવૂડના હીમેનના પંચ તત્વમાં વિલિન થઇ ગયા હતા.
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે ૮૯ વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. થોડા સમય પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી છે. હાલ, તેમના પરિવારજનો અને સિનેમા જગતના કલાકારો અને મિત્રો તેમને અંતિમ ઘડીએ અલવિદા કહેવા સ્મશાન પહોંચ્યા હતા. એક્ટર ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની પતિના દેહાંત બાદ અંતિમ સંસ્કારની વિધિ માટે સ્મશાન પહોંચ્યા હતા. આ દરમિયાન હેમા માલિની ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, તેમની આંખોમાં આંસુ હતા અને પતિને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. આ સિવાય ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલ પણ સ્મશાન પહોંચી હતી. એશા દેઓલે સફેદ રંગનો ડ્રેસ પહેરેલો હતો અને અશ્રુભિની આંખે પિતાને અલવિદા કહેવા પહોંચી હતી. આ દરમિયાન તેમણે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો.
એ નોંધવું જોઈએ કે, ધર્મેન્દ્રનો ૯૦મો જન્મદિવસ ૮ ડિસેમ્બરે હતો. જ્યારે તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા હતા, ત્યારે અહેવાલો બહાર આવ્યા હતા કે, પરિવાર અભિનેતા માટે જન્મદિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ તેમના જન્મદિવસના માત્ર ૧૪ દિવસ પહેલા, આ દિગ્ગજ અભિનેતા આ દુનિયાને કાયમ માટે છોડી ગયા. તેમના નિધનથી સમગ્ર ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ચાહકો પણ આઘાતમાં છે. ચાહકો અને સેલિબ્રિટીઓ હવે સોશિયલ મીડિયા પર આ દિગ્ગજ અભિનેતાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
કામની વાત કરીએ તો, ધર્મેન્દ્ર છેલ્લે કૃતિ સેનન અને શાહિદ કપૂરની ફિલ્મ “તેરી બાતેં મેં ઐસા ઉલ્ઝા જિયા” માં જોવા મળ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ “૨૧” છે, જેનું નિર્દેશન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં, તેઓ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાના પિતાની ભૂમિકા ભજવતા જોવા મળશે.
આ ફિલ્મ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેતા ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાન ઘાટ પર થશે. ધર્મેન્દ્રનું પૂરુ નામ ધર્મેન્દ્ર કેવલ કૃષ્ણ દેઓલ છે. તેમનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૩૫ના પંજાબના નસરાની ગામમાં થયો હતો.
ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી આદરણીય અને લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં, તેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં “શોલે”, “ચુપકે ચુપકે”, “સીતા ઔર ગીતા” અને “ધરમ વીર” જેવી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમના સંવાદો હજુ પણ વારંવાર બોલાય છે, જેમાં શોલેની “બસંતી ઈન કૂત્તો કે આગે મત નાચના” સૌથી મોટી હિટ ફિલ્મ રહી છે. ધર્મેન્દ્ર ૮૯ વર્ષના હોઈ શકે છે, પરંતુ તેઓ ઉદ્યોગમાં સક્રિય રહ્યા. ધર્મેન્દ્ર તાજેતરમાં “રોકી ઔર રાની કી પ્રેમ કહાની” માં જોવા મળ્યા હતા, ત્યારબાદ “તેરી બાતેં… મેં ઐસા ઉલઝા જિયા” માં જોવા મળ્યા હતા, જ્યાં તેમણે તેમના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેઓ અગસ્ત્ય નંદાની “ઇક્કિસ” માં પણ જોવા મળશે, જે ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે.
તેણે ૧૯૬૦ માં “દિલ ભી તેરા હમ ભી તેરે” ફિલ્મમાં અભિનયની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તે ૧૯૬૧ની ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સહાયક ભૂમિકામાં જોવા મળ્યો હતો. અસંખ્ય હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર આપીને ધર્મેન્દ્ર ૬૫ વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા. તેણે શોલે (૧૯૭૫), ચુપકે ચુપકે (૧૯૭૫), સીતા ઔર ગીતા (૧૯૭૨), ધરમવીર (૧૯૭૭), ફૂલ ઔર પથ્થર (૧૯૬૬), જુગનુ (૧૯૭૩), અને યાદો કી બારાત (૧૯૭૩) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

