આ વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
Islamabad તા.૭
છેલ્લા એક દાયકાથી આતંકવાદનો પર્યાય ગણાતા પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ એક સામાન્ય ઘટના બની ગઈ છે. આ વખતે ક્રિકેટ મેચ દરમિયાન વિસ્ફોટ થયો છે.
આ બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયો હતો.
પાકિસ્તાની અખબાર ’ડોન’એ પોલીસ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલાખોરોએ સંપૂર્ણ આયોજન સાથે આ વિસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો, જ્યાં મેચ ચાલી રહી હતી.
વિસ્ફોટ પછી ચારે બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો અને નાસભાગ પણ થઈ હતી. વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડ પર હુમલાની જવાબદારી લીધી નથી.
અહેવાલો અનુસાર, બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં સ્થિત કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિસ્ફોટ બાદ ખેલાડીઓ અને દર્શકો દોડતા જોવા મળ્યા હતા. એક અઠવાડિયા પહેલા પણ આ જ જગ્યાએ ક્વોડકોપ્ટરની મદદથી એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક નાગરિક ઘાયલ થયા હતા.
વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને કેટલાક બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ અગાઉ પોલીસ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.