ગત ૩૬ કલાકથી સતત અકધારા પ્રેશર સાથે નીકળી રહેલા મીઠા પાણીની જળધારા સરસ્વતી નદીની પણ હોઈ શકે છે
Jaisalmer, તા.૩૦
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢમાં બોરવેલ દરમિયાન અચાનક ફૂટેલી જળધારાએ આખી દુનિયાને ચોંકવી દીધી છે. દેશ-દુનિયાના વૈજ્ઞાનિકો આ ઘટના પર અભ્યાસ કરી રહ્યા છે. ગત ૩૬ કલાકથી સતત અકધારા પ્રેશર સાથે નીકળી રહેલા મીઠા પાણીની જળધારા સરસ્વતી નદીની પણ હોઈ શકે છે. આ હકીકત અને થિયરી પર પણ કામ થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં આ વિશે ઘણાં તથ્યો જણાવ્યા છે. તેમનું કહેવું છે કે, કેટલાક વૈજ્ઞાનિકોએ આવી સંભાવના વ્યક્ત કરવા પોતપોતાનો વિચાર વ્યક્ત કર્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલનું કહેવું છે કે સ્થાનિક લોકો તેને દેવી સરસ્વતીની કૃપા પણ કહી રહ્યા છે, તેઓ કહે છે કે હવે દેવી સરસ્વતી સ્વયં પ્રગટ થયા છે. કેટલાક ભૂગર્ભજળ વૈજ્ઞાનિકો એવું પણ માની રહ્યા છે કે બોરવેલ ખોદકામ દરમિયાન આટલા મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ અચાનક છૂટવો એ સામાન્ય ભૂગર્ભજળ રિસાવ હોઈ શકે નહીં. આ ઘટનાની સંપૂર્ણ ભૂસ્તરશાસ્ત્રીય તપાસ કરવાની જરૂર છે જેથી લોકોની માન્યતાની પુષ્ટિ થાય કે હવે માતા સરસ્વતીએ તેમનો અજ્ઞાતવાસ પૂર્ણ કર્યો છે અને હાજર થવાનું નક્કી કર્યું છે. સ્થાનિક સરકારના વહીવટીતંત્રે પણ આ કુદરતી ઘટનાથી સ્થાનિક લોકોના પાક અને અન્ય મિલકતોને બચાવવા અને વળતર આપવાની વ્યવસ્થા કરવી જોઈએ.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે જેસલમેરના મોહનગઢ કેનાલ વિસ્તારમાં ચક ૨૭ બીડીના ત્રણ જોરા માઇનોરમાં એક બોરવેલ કરવામાં આવી રહ્યો હતો. અહીં મશીનો કામ કરી રહ્યા હતા, તે જ સમયે અચાનક પાણીનો પ્રવાહ ફૂટ્યો, પાણી જમીનથી ૩ થી ૪ ફૂટ ઉપર ફુવારો થયો. અહીં પ્રચંડ પ્રવાહથી પાણી નીકળ્યું અને બોરવેલ ખોદવાનું મશીન પણ જમીનમાં ધસી ગયું.
પાણીના પ્રવાહના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. વહીવટી અધિકારીઓ આ વિસ્તારમાં પહોંચી ગયા છે. નાયબ તહસીલદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મોહનગઢ લલિત ચારણે લોકોને આ પાણીના પ્રવાહથી દૂર રહેવા કહ્યું છે. આ પાણી મીઠું છે. આ ઘટના લોકો માટે ભારે આશ્ચર્યનો વિષય બની છે. આ અંગે અનેક ચર્ચાઓ થઈ રહી છે.