Botad,તા.૧૩
બોટાદ જિલ્લાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં મસ મોટો દારૂનો જથ્થો ભરેલો ટ્રક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે ખાનગી વેશ અને ખાનગી વાહનમાં હાઇવે ઉપર રેસ્ટોરન્ટ ઉપર પહોંચીને સૂતેલા ટ્રક ડ્રાઇવરને દબોચ્યો હતો. જેમાં તપાસ કરતા લાખોનો દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.
બોટાદ જિલ્લાના ઢસા પંથકમાં ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં દારૂ હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં લાખોનો દારૂ ઝડપાયો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના કર્મચારી સાજણ વીરાભાઈ વસરાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ભાવનગર રાજકોટ હાઇવે ઉપર મળેલી બાતમીના આધારે ગોપીનાથ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનર ટ્રકમાં મસ મોટો દારૂનો જથ્થો છે, જેથી તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો.
ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાવનગર રાજકોટ હાઇવે પર આવેલી ગોપીનાથજી રેસ્ટોરન્ટના પાર્કિંગમાં બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર કન્ટેનર ટ્રક મળી આવતા તપાસ કરતા જેનો ડ્રાઇવર કેબિનમાં સૂતો હતો. જેથી તેને જગાડીને કન્ટેનરની અંદર શું છે તેની પૂછતાછ કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. કુલ ૧૩,૯૨૯ દારૂની પેટીઓ જેમાં નાની મોટી દારૂની બોટલ અને બિયર ટીનનો સમાવેશ થાય છે. ત્યારે સમગ્ર દારૂની કિંમત ૩૮,૫૪,૬૩૭ છે, જેને ઢસા પોલીસને બોલાવી સ્ટેટ મોનિટરિંગ સેલે કબ્જે લીધો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીએ ઢસા પોલીસ સ્ટેશનમાં કન્ટેનરના ડ્રાઇવર પુખરાજ ડુંગરરામ ભાટી રાણા રાજપૂત મૂળ રાજસ્થાનના ભાટાલા ખરવા ગામનો રહેવાસીને ઝડપી લીધો હતો. ઉપરાંત અન્ય ત્રણ શખ્સ દારૂ મોકલનાર રાજુરામ નામનો માણસ, કન્ટેનરનો માલિક અને બાબરા ખાતે કન્ટેનર લેવા આવનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ, કન્ટેનર, મોબાઇલ અને રોકડ મળી કુલ ૬૩,૬૦,૮૫૭ નો મુદ્દામાલ કબ્જે લઈ ઢસા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.