New Delhi,તા.11
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા દીકરીઓની બ્રાન્ડ વેલ્યુ આસમાને પહોંચી ગઈ છે. લાખોથી શરૂ થયેલી યાત્રા કરોડોમાં પહોંચી ગઈ છે. સ્મ્રિતિ મંધાના, જેમીમા રોડ્રીગ્સ, શેફાલી વર્મા જેવા ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યૂમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
મહિલા ક્રિકેટરોની બાબતો સંભાળતી મેનેજમેન્ટ કંપનીઓનાં જણાવ્યાં અનુસાર, આ ખેલાડીઓએ વર્લ્ડ કપ જીત પછી એક કરોડથી વધુના એન્ડોર્સમેન્ટ સોદા કરશે.
મંધાના, રિચા ઘોષ અને રાધા યાદવનું સંચાલન કરતી બેઝલાઇન વેન્ચર્સના એમડી અને સહ-સ્થાપક તુહીન મિશ્રાએ કહ્યું કે, જીત બાદ ખેલાડીઓની એડ વેલ્યુમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. કંપનીઓ આ ખેલાડીઓને જાહેરાતનો ચહેરો બનાવવા માટે લાઇન લગાવી રહી છે.
તુહીનના જણાવ્યાં અનુસાર મહિલા ક્રિકેટની લોકપ્રિયતા અને ચાહકોની સંખ્યામાં વધારાને કારણે બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થયો છે. જેમીમાના ફોલોઅર્સની સંખ્યા બમણી થઈને 33 લાખ થઈ ગઈ છે, જ્યારે શેફાલીના ફોલોઅર્સની સંખ્યા 50 ટકા વધી ગઈ છે.
નિષ્ણાતો કહે છે કે, બજાર હવે સ્ટાર મહિલા ખેલાડીઓની તાકાત સમજી ગયું છે. પરિણામે, સ્પોર્ટ્સ ક્નટેન્ટ, લાઇફસ્ટાઇલ, બ્યુટી, પર્સનલ કેર અને મહિલા એથ્લેટ્સ, શિક્ષણ જેવાં વિવિધ ઉદ્યોગો જાહેરાતમાં રસ દાખવી રહ્યાં છે.

