Dahod,તા.૧૩
ગુજરાતમાં ફરીથી શિક્ષણ જગતની કાર્યપદ્ધતિ પર બટ્ટો લાગ્યો છે. આ વખતે વિદ્યાર્થીનું એલસી કાઢવા માટે ૫૦૦૦ રુપિયાની લાંચ માંગવા આવી છે. દાહોદના લીમખેડાની એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને એલસી ઈશ્યૂ કરવા બદલ ૫૦૦૦ રુપિયા માંગતા ચકચાર મચી ગઈ છે. ચકચાર મચી જવાનું એક મહત્વનું કારણ એ પણ છે કે આ સ્કૂલ છે કે. જે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ. જેનું સંચાલન દાહોદના સાંસદ જશવંત સિંહ ભાભોરની સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
લીમખેડાની એક ખાનગી શાળા કે. જે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સમાં વિધાર્થી પાસેથી એલસી કાઢવાના માટે ૫૦૦૦ રુપિયા લેવામાં આવ્યા. વિધાર્થીના વાલી દ્વારા તમામ ઘટનાનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો. આ વીડિયોમાં શાળાના કર્મચારી પૈસા લેતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા પણ થયેલી વાતચીતનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં શાળાના આચાર્ય દ્વારા વિધાર્થીના વાલીને કહેવામાં આવી રહ્યું છે કે, અમારે આ પૈસા સંસ્થાને આપવા પડે છે માટે અમે પૈસા લઈએ છીએ.
આ સમગ્ર ઘટના વિશે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીને પુછતા તેમણે જણાવ્યું કે, આ શાળા હાલ ગ્રાન્ટેડ નથી. કોઈ પણ ખાનગી નોન ગ્રાન્ટેડ શાળા એફઆરસીના નિયમો મુજબ જ ફી લઈ શકે છે. જોકે રસીદ બાબતે તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, આ રસીદ શાળા તરફથી ખોટી રીતે અપાઈ છે. સાંસદ સંચાલિત સંસ્થાની શાળામાં આદિવાસી વિધાર્થીઓ પાસેથી બેફામ રીતે પૈસા લેવાતા હોવાના આક્ષેપ પણ વિધાર્થીઓના વાલી દ્વારા કરવામાં આવ્યા હતા.
લીમખેડાની એક ખાનગી શાળા કે. જે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સમાં વિધાર્થી પાસેથી એલસી કાઢવાના માટે ૫૦૦૦ રુપિયા લેવામાં આવ્યા. આ સમગ્ર ઘટના પર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવવા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જો કોઈ શાળા ચાર્જ માંગતી હોય તો કાર્યવાહી કરવામાં આવશે. આવી બાબત ધ્યાને આવે તો તાલુકો કે જિલ્લા કક્ષાએ ડીઇઓને જાણ કરવી.