London ,તા.31
ગઈકાલે બ્રિટનમાં નેશનલ એર ટ્રાફીક સર્વિસમાં અચાનક જ ટેકનીકલ ક્ષતિ સર્જાતા જ સમગ્ર બ્રિટનમાં એર ટ્રાફીક કંટ્રોલ સેવા ખોરવાઈ ગઈ હતી અને તમામ મુસાફર સહિતના વિમાનોને તાત્કાલીક નજીકના એરપોર્ટ પર લેન્ડ થઈ જવા આદેશ અપાયો હતો.
લંડનના ગેટવીક એરપોર્ટ પરથી અપાયેલા સંદેશાઓમાં નેશનલ એર ટ્રાફીક સર્વિસ દ્વારા ટેકનીકલ ક્ષતિ અંગે માહિતી આપવામાં આવી હતી અને તૂર્ત જ કેટલીક એરલાઈન્સ કે જે બ્રિટનમાં પ્રવેશી રહી હતી તેઓને અન્યત્ર ડાઈવર્ટ થઈ જવા અથવા તો નજીકના એરપોર્ટ ઉપર લેન્ડ થઈ જવા સુચના આપી હતી.
જેના કારણે વિમાની મથકોએ કામકાજ વ્યસ્ત થઈ ગયું હતું લગભગ 20 મીનીટ સુધી આ પરિસ્થિતિ રહી હતી અને બાદમાં એર ટ્રાફીક કંટ્રોલ સામાન્ય થઈ ગયો હતો. પરંતુ તે થોડીવાર માટે ચિંતા સર્જી ગઈ હતી અને બાદમાં વિમાની સેવાઓને યથાવત કરી દેવામાં આવી હતી. લંડનમાં છ એરપોર્ટ કાર્યરત છે જેમાં હીથ્રોએ સૌથી વ્યસ્ત વૈશ્વિક એરપોર્ટમાં સમાવેશ થાય છે.