Ahmedabad, તા.29
થલતેજ વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પતિના ત્રાસથી કંટાળેલી પત્નીને લેવા આવેલા તેના ભાઈ પર બનેવીએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં યુવકને બે ગોળી વાગતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થલતેજમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતાં સુધીર ઠક્કરની બહેન શીતલ ઉર્ફે ગુડ્ડીના 2009માં મૌલિક ઠક્કર સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ ગુડ્ડી પોતાના પતિ સહિતના સાસરિયાઓ સાથે શીલજમાં રહેતી હતી.
ગઈકાલે રાતે ગુડ્ડીએ થલતેજમાં રહેતા પોતાના ભાઈ સુધીરને ફોન કર્યો હતો. જેમાં તેણે ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, પતિ મૌલિક ઝઘડો કરતો હોવાથી આવીને પોતાને લઈ જાય. આથી સુધીર તેના પિતા તેમજ પરિવારના અન્ય સભ્યોને લઈને ગુડ્ડીને લેવા શીલજ જવા નીકળ્યો હતો.
જેવા તેઓ શીલજ પહોંચ્યા, ત્યારે સામેથી ગુડ્ડી અને તની પાછળ જ તેનો પતિ મૌલિક પણ હથિયાર લઈને આવતો દેખાયો હતો. આ દરમિયાન મૌલિકે એક રાઉન્ડ ફાયર કરતાં ગોળી સુધીરની ગાડીને વાગી હતી. આથી સુધીર ગાડીમાં નીચે ઉતર્યો, તે સાથે જ મૌલિકે તેના ઉપર પણ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. આ દરમિયાન સુધીરની કારમાં આવેલા તેના પિતા પણ બહાર આવ્યા અને તેમણે મૌલિક પાસેથી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી.
બીજી તરફ પેટમાં ગોળી વાગતા સુધીર ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બોડકદેવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મૌલિક ઠક્કર અને તેના ભાઈ જીતુ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.