માથાના ભાગે કુહાડી મારી દેતા પોપટ મકવાણા અને દુધિબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત : ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
Rajkot,તા.૧૯
વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે જમીનના શેઢા પ્રશ્ને ભાઈઓ અને ભત્રીજાએ વૃદ્ધ દંપત્તિ પર કુહાડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા પોપટ મકવાણા અને દૂધીબેન મકવાણાને માથા સહિતના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મામલામાં વિંછીયા પોલીસે બે ભાઈ અને ભત્રીજા વિરુદ્ધ ગુનો દાખલ કરી ત્રણેયને હાથવેંતમાં લીધા છે. વિંછીયા પોલીસ મથકમાં પોપટભાઈ નરશીભાઈ મકવાણા નામના 65 વર્ષીય વૃદ્ધએ નોંધાવેલી ફરિયાદમાં સગા ભાઈ સગરામ નરશીભાઈ મકવાણા, વિનુ નરશીભાઈ મકવાણા અને ભત્રીજા રમેશ સગરામ મકવાણાના નામ આપ્યા છે. વૃદ્ધે જણાવ્યું હતું કે, તેઓ પત્ની દૂધીબેન મકવાણા સાથે પોતાની વાડીએ નીરણ વાઢતા હતા ત્યારે ભાઈ અને ભત્રીજાએ શેઢા પ્રશ્ને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. જે બાદ વૃદ્ધ દંપત્તિ વાડીના મકાનની સામે આવેલ કુંડીએ ભેંસને પાણી પીવડાવતા હતા ત્યારે ત્રણ આરોપીઓ મોટરસાયકલ લઇને ધસી આવ્યા હતા. સગરામ મકવાણાએ લોખંડના પાઇપ વડે વૃદ્ધને ખંભાના પાછળના ભાગે ફટકાર્યા હતા. જે બાદ રમેશ મકવાણાએ કુહાડી માથાના ભાગે મારી દેતા વૃદ્ધને ચક્કર આવી જતાં નીચે પડી ગયા હતા. દરમિયાન દૂધીબેન પર સગરામ અને રમેશએ લોખંડના પાઇપ અને કુહાડી વડે હુમલો કરતા માથામાં હેમરેજ થઇ ગયું હતું.
હુમલામાં ઘવાયેલા વૃદ્ધ દંપત્તિને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે વિંછીયા પોલીસે જીવલેણ હુમલાની કલમો હેઠળ ગુનો નોંધી ત્રણેય હુમલાખોરોને હાથવેંતમાં લીધા છે.