Amreli, Bagasara તા.૨૭
બગસરા તાલુકાના સાપર ગામમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં સંતાનોના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક ભાઈએ પોતાની સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેમાં મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન પ્રમાંધ બનીને ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે થયેલા મનદુઃખના ઉશ્કેરાટમાં આ કરુણ બનાવ બન્યો હતો, જેમાં એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, બગસરા તાલુકાના સાપર ગામમાં રહેતા ગીતાબેન ચૌહાણ (ઉ.વ.૫૦)ની આજે તેમના જ મકાનમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ તેમના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ પર મૂકવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, મૃતક ગીતાબેનના દીકરા અને આરોપી એવા સગાભાઈ નરેશભાઈની દીકરી એટલે કે મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમસંબંધ હતો.આ વાતની જાણ થતાં જ બન્ને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ દરમિયાન યુવક-યુવતી બંને ઘરેથી ભાગી ગયા હતા. જેથી ખબર પડતા દીકરીના પિતા નરેશભાઈ ભારે ગુસ્સામાં આવી ગયા હતા. આ જ ક્રોધમાં તેમણે પોતાની સગી બહેન ગીતાબેન પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સનસનાટીભર્યા હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભારે અરેરાટીજનક ઘટનાની જાણ થતાં જ બગસરા મામલતદાર અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. એ.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી નરેશભાઈને પકડી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.