Rajkot,તા.31
ગુજરાતમાં કદાચ પ્રથમ વખત ઈન્કમટેકસ દ્વારા કરોડો-અબજો રૂપિયાના મિલ્કત દસ્તાવેજોની નોંધણી કરતી સબ રજીસ્ટ્રાર કચેરીમાં સર્વે હાથ ધર્યો હતો. રાજકોટ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-5 માં સળંગ 12 કલાક સુધી તપાસ કરીને છેલ્લા પાંચ વર્ષોના મિલ્કત દસ્તાવેજોનો ડેટા કબ્જે લેવામાં આવ્યો હતો. ટેકસચોરીની શંકાના આધારે થયેલી આ કાર્યવાહી બાદ હવે બિલ્ડરો પર તવાઈ ઉતરવાના ભણકારા છે.
રાજકોટમાં મિલ્કત દસ્તાવેજોની નોંધણી કરતી સબ રજીસ્ટ્રારની ડીસ્પેચ કોલેજ સ્થિત ઝોન-5 ની કચેરી પર ઈન્કમટેકસની ટીમ ત્રાટકી હતી. બપોરથી શરૂ થયેલી તપાસ મધરાત સુધી ચાલુ રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આવકવેરા અધિકારીઓની ટીમ દ્વારા 2020-21થી પાંચ વર્ષના 30 લાખથી વધુની કિંમતના મિલ્કત દસ્તાવેજો ફંફોળવામાં આવ્યા હતા.
આ તમામ દસ્તાવેજોને ડેટા જપ્ત કરીને સાથે લઈ ગયા હતા. ડેટા એન્ટ્રીની વિગતો પણ ચકાસવામાં આવી છે અને કેટલીક વિસંગતતા વિશે પુછતાછ કરવામાં આવી હતી. મિલ્કત દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા વિશે અધિકારીઓને મહત્વની તાકીદ કરવામાં આવી હતી.
સરકારે મિલ્કત વ્યવહારમાં બેનંબરી નાણાંની બોલબાલા તથા ટેકસચોરી અટકાવવા માટે ઘડેલા નિયમ હેઠળ 30 લાખથી વધુની મિલ્કતોના દસ્તાવેજોની વિગતો સબ રજીસ્ટ્રારે આવકવેરા વિભાગને આપવાનુ ફરજીયાત છે.
દર 3-6 મહિને આ પ્રકારની વિગતો આપવી પડે છે. રાજકોટમાં કોરોનાકાળ બાદ પ્રોપર્ટી માર્કેટમાં જબરદસ્ત તેજી રહી હતી. મોટા ફલેટ-આવાસનો ટ્રેન્ડ શરૂ થયો હતો. કોરોનાથી ભયભીત થયેલા લોકો મોટા ફલેટમાં વસવાટ કરવાનુ પસંદ કરવા લાગ્યા હતા.
સૂત્રોએ કહ્યુ કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રે ભલે એકાદ વર્ષથી ટાઢોડુ હોય પરંતુ તે પુર્વે જોરદાર તેજી હતી. આવકવેરા વિભાગે છેલ્લા પાંચ વર્ષના મિલ્કત દસ્તાવેજોના ડેટા એકત્રીત કર્યા હોવાનું સૂચક છે.
જાણકારોએ એમ કહ્યું કે રાજકોટની ઝોન-5 સબ રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ પણ ઘણો ગર્ભિત ઈશારો કરે છે. આ ઝોન હેઠળ નાનામવા-મોટામવા તથા વાજડી જેવા પોશ વિસ્તારો આવે છે અને ત્યાં જમીન-મકાન-ફલેટની કિંમત પણ ઘણી મોટી રહેતી હોય છે. આ વિસ્તારના મિલ્કત દસ્તાવેજોની તપાસ સૂચક છે.
ચોકકસ બાતમીના આધારે જ આવકવેરા વિભાગે આ કાર્યવાહી કરી હોવાનું સ્પષ્ટ છે તેના આધારે ટેકસચોરીના ખુલાસા શકય છે અને તે સંજોગોમાં આવતા દિવસોમાં બિલ્ડરો પર તવાઈ ઉતરી શકે છે. ફલાવરબેડ, કમ્પ્લીશન સહિતના અનેક મુદ્દાઓને કારણે પરેશાન બિલ્ડરલોબીમાં ઈન્કમટેકસની આ કાર્યવાહીથી ખળભળાટ સર્જાયો છે. તપાસનો ઉદેશ જાણવા અનેકવિધ પ્રકારે પ્રયત્નો કરી રહ્યા છે.
આવકવેરા તથા સબ રજીસ્ટ્રાર વિભાગના સૂત્રોએ એમ જણાવ્યું હતું કે મિલ્કત દસ્તાવેજોની પ્રક્રિયા વિશે પણ ઘણી સલાહ આપવામાં આવી હતી.
એમ કહેવાય છે કે ઝોન-5 બાદ ઈન્કમટેકસ અન્ય ઝોન કચેરીઓમાં પણ સમાન ધોરણે તપાસ કરશે. રાજકોટમાં જુદી-જુદી 10 સબ રજીસ્ટ્રાર કચેરી 10 સબ રજીસ્ટ્રાર કચેરી છે.