Rajkot,તા.21
શહેરના રૈયાધાર વિસ્તારમાં સર્વે નં.218 સહિતની સરકારી જમીન પર કાચા-પાકા મકાનો ખડકી કબ્જો જમાવી બેઠેલા અસામાજીક તત્વોના આ રહેણાંકોનુ લીસ્ટ શહેર પોલીસ દ્વારા કલેકટર તંત્રને સોંપી દેવામાં આવેલ છે.જે બાદ પશ્ચિમ તાલુકા મામલતદાર જોષીએ એકશન મોડમાં આવી અસામાજીક તત્વોનાં મિલકત રેકર્ડની તપાસણી માટે ધડાધડ નોટીસો ફટકારવાની કાર્યવાહી શરૂ કરી છે.
અહી ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસમાં શહેરનાં ભીસ્તીવાડ, જંગલેશ્વર અને નાણાવટી ચોક વિસ્તારમાં અનઅધિકૃત રીતે ખડકાયેલા અસામાજીક તત્વોનાં ચાર મકાનોનાં બાંધકામો તોડી પાડવામાં આવેલ છે.
રાજયમાં ગુનેગારો, હિસ્ટ્રીશીટરો અને લુખ્ખા તત્વોને અંકુશમાં લેવા માટે રાજય પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવેલ હોય પોલીસ દ્વારા અસામાજીક તત્વોના લીસ્ટ તૈયાર કરી નકકર સ્વરૂપની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જેમાં શહેર પોલીસ દ્વારા રૈયાધાર વિસ્તારમાં સર્વે નં.218 સહિતની સરકારી જમીન પર અનઅધિકૃત રીતે ખડકાયેલા 30 અસામાજીક તત્વોના મકાનોનું લીસ્ટ કલેકટર તંત્રને સોંપવામાં આવ્યા બાદ તંત્ર એકશન મોડમાં આવી જવા પામેલ છે.જેના પગલે તાલૂકા મામલતદાર જોશી દ્વારા આ 30 મકાનોનાં મિલકત રેકેટની તપાસણી માટે નોટીસો ફટકારવાની કાર્યવાહી આરંભી દેવામાં આવેલ છે.
પશ્ચિમ તાલુકા મામલતદાર જોશીનો સંપર્ક કરાતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા તેઓને 30 જેટલા આસામીઓનું લીસ્ટ અપાયું છે.સરકારી જમીન ઉપર આ મકાનો ખડકાયા હશે તો દબાણનો કેસ ચલાવી આ કાચ-પાકા મકાનોને તોડી પડાશે.આ મકાનોનાં રેકર્ડની તપાસણી માટે નોટીસ ફટકારવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ આ 30 મકાનોના આસામીઓ અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોય અને તેઓએ મકાનો સરકારી જમીનો ઉપર જ ખડકાયા હોય આ મકાનોને તોડી પાડવા માટે તંત્ર એકશન મોડમાં આવી કાર્યવાહી આરંભી છે.આ આસામીઓના મકાનોનાં રેકર્ડની તપાસણી બાદ તંત્ર દ્વારા ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવશે.