Jharkhand તા.29
ઝારખંડમાં શ્રાવણ માસમાં બાબા બૈદ્યનાથ ધામમાં ચાલી રહેલી કાંવડ યાત્રા દરમિયાન કાંવડિયાઓથી ભરેલી એક બસ અને એક ટ્રક વચ્ચે જોરદાર ટકકર થવાથી પાંચ કાંવડિયાઓના દર્દનાક મોત થયા હતા. જયારે અનેક કાંવડિયા ઘાયલ થયા હતા. જયારે ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ 18 કાંવડિયાના મોત થયાનું ટવીટમાં જાહેર કર્યું છે.
દેવધર-વાસુકીનાથ મુખ્ય પથ પર આવેલ જમુનિયા ચોક પાસે કાંવડિયાઓથી ભરેલી એક બસ અને ગેસ સિલિન્ડર ભરીને જતા ટ્રક વચ્ચે આજે સવારે ભીષણ ટકકર થઈ હતી. મોત અંગે સતાવાર આંકડો પાંચનો જાહેર થયો છે. જયારે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ 18 કાંવડિયોના મોત થયાનું ટવીટમાં જાહેર કર્યું છે.
સાંસદ નિશીકાંત દુબેએ વધુમાં ટવીટ કર્યું છે કે, મારા લોકસભા વિસ્તારમાં દેવધરમાં શ્રાવણ માસમાં કાંવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક દુર્ઘટનાગ્રસ્ત થતા 18 કાંવડિયાઓના મોત થયા છે. બાબા બૈદ્યનાથજી તેમના પરિવારોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બધા ઘાયલોને દેવધરની વિભિન્ન હોસ્પિટલોમાં અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં દાખલ કરાયા હતા. જિલ્લા પ્રશાસન દ્વારા રાહત અને બચાવકાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું.
આ દુર્ઘટના ત્યારે સર્જાઈ હતી, જયારે શ્રદ્ધાળુઓ દેવધરમાં જલ ચડાવવા જઈ રહ્યા હતા. આ ભીષણ અકસ્માતથી વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે.