ખેડૂત એગ્રોમા દવા લેવા નીકળ્યા ત્યારે બોલેરો કાળ બની ત્રાટકી: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Rajkot,તા.04
રાજકોટ અમદાવાદ હાઈવે પર સોખડા ચોકડી નજીક રોંગ સાઈડમાં ધસી આવેલા બોલેરો પીકઅપ વાહનના ચાલકે કારને હડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં રાજકોટના મોરબી રોડ પર મહેશ્વરી પાર્કમાં રહેતા કારચાલક પટેલ આધેડનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.આધેડ એગ્રો દવાનો વેપાર કરતા હોય દવા લેવા માટે નીકળ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે કુવાડવા પોલીસને બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે નાગબાઈ મંદિર પાસે નવ જ્યોત સ્કૂલ નજીક મહેશ્વરી પાર્ક શેરી નંબર-3 માં રહેતા મુકેશભાઈ ધનજીભાઈ ડોબરીયા (ઉ.વ 45) નામના પટેલ આધેડ ગઈકાલ રાત્રિના કાર નંબર જીજે 3 કેસી 1507 લઇ બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા હતા ત્યારે અહીં રાઘવ હોટલ પાસે પહોંચતા સામેથી મહિન્દ્રા બોલેરો પીકપ વાહન નંબર જીજે 09 વાય 8471 ના ચાલકે પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી કાર સાથે અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતની આ ઘટનામાં મુકેશભાઈ ડોબરીયાને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન 108 ને જાણ કરી દેવામાં આવતા 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી આધેડને મૃત જાહેર કર્યા હતા. બનાવવાની જાણ થતા મૃતકના પરિવારજનો અહીં પહોંચ્યા હતા. બીજી તરફ કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ પણ અહીં આવી પહોંચ્યો હતો પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં, મુકેશભાઈ ડોબરીયા ત્રણ ભાઈના પરિવારમાં સૌથી નાના હતા અને તેઓ છૂટક ઈલેક્ટ્રીક કામ તથા એગ્રીકલ્ચરની છુટક દવાનું વેચાણ કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તેઓ એગ્રોની દવા લેવા માટે ઘરેથી નીકળ્યા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે મૃતકના મોટાભાઈ અરવિંદભાઈ ધનજીભાઈ ડોબરીયાની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે બોલેરો નંબર જીજે 09 વાય 8471 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.