Surendranagar, તા.10
સુરેન્દ્રનગર શહેરમાં રહેતા વેપારીએ મુંબઈ રહેતા તેમના સગાને આરટીજીએસનું ફોર્મ ભરી રૂપીયા 4 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેમાં ભુલથી ફોર્મમાં ખાતા નંબરમાં 1 આંક ખોટો લખાઈ જતા પૈસા અન્યત્ર જતા રહ્યા હતા. ત્યારે આ ખાતાધારક પિતા-પુત્રે રૂપીયા પરત ન આપી છેતરપિંડી આચર્યાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સુરેન્દ્રનગરના ઘર હો તો ઐસા પરીસરમાં આવેલ પરીવાર ફલેટમાં રહેતા 74 વર્ષીય જીતેન્દ્રકુમાર ચંદ્રકાંતભાઈ શાહ મહેતા માર્કેટમાં જીતેન્દ્ર સેલ્સ એજન્સી નામની દુકાન ચલાવી મશીનરી સ્પેરપાર્ટસનો ધંધો કરે છે.
તેઓએ મુંબઈના બોરીવલીમાં રહેતા તેમના ફઈના દિકરા રાકેશ ધીરજલાલ દોશી પાસેથી 8 વર્ષ પહેલા 17 લાખ ઉછીના લીધા હતા. જે પૈસા રાકેશભાઈને પરત કરવાના હતા. જેમાં જીતેન્દ્રકુમારના પોસ્ટમાં મુકેલ પૈસા પાકતા તેઓએ શહેરની રાજકોટ નાગરિક બેંકમાં જઈને આરટીજીએસનું ફોર્મ ભરી રાકેશભાઈ રૂપીયા 4 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ચારેક માસ પછી સામાજીક કામ સબબ ફોન કરતા જીતેન્દ્રકુમારે રૂપીયાની વાત કરતા રાકેશભાઈએ આવા કોઈ પૈસા ન આવ્યા હોવાનું જણાવ્યુ હતુ.
આથી જીતેન્દ્રકુમારે બેંકમાં જઈ તપાસ કરતા રાકેશભાઈના બેંક ખાતાના છેલ્લા 3 આંકડા 557ના બદલે ભુલથી તેમનાથી 567 લખાઈ જતા આ પૈસા અન્યત્ર ટ્રાન્સફર થઈ ગયા હતા. જેમાં તપાસ કરતા આ ખાતુ મુંબઈના સાંઈબાબાનગરમાં રહેતા હિતેશ પ્રમોદભાઈ દોશી અને તીર્થ હિતેશભાઈ દોશીનું હોવાનું સામે આવતા તેમનો મોબાઈલ નંબર મેળવી તીર્થ દોશીને ફોન જીતેન્દ્રભાઈએ કર્યો હતો.
બાદમાં વારંવાર ફોન કરવા છતાં તેઓ પૈસા પરત ન આપતા અંતે તા. 7-10ના રોજ મોડી રાત્રે મુંબઈના પિતા-પુત્ર પ્રમોદ દોશી અને તીર્થ દોશી સામે એ ડિવિઝન પોલીસ મથકે રૂપિયા 4 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.