૬ ટકા વ્યાજ સાથે 25 લાખ ૧૫ દિવસમાં ન ચુકવે તો વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ
Rajkot,તા.11
વિમલ સબમર્શીબલ પેઢી પાસેથી લીધેલા રૂ.25 લાખની ચુકવણી માટે કિરણ ઈલેકટ્રીકના વેપારીએ પાંચ-પાંચ લાખ કુલ પાંચ ચેકો આપ્યા હતા. જે પાંચેક ચેક રીટર્ન થતા કોર્ટે ચેક પરત ફરવાના ગુનામાં વેપારીને એક-એક વર્ષની સજા અને ૬ ટકા વ્યાજ સાથે ૨કમ ૧૫ દિવસમાં ન ચુકવે તો વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાસે ચીત્રકુટ ધામમાં રહેતા અને વિમલ સબમર્શીબલના નામે વ્યવસાય કરતા રસીક શામજીભાઈ ચોવટીયાએ કિરણ ઈલેકટ્રીકના નામે સબમર્શીબલને લગતું કામ કરતા જસ્મીન કાંતીલાલ ભીમાણીને રૂા.૨૫ લાખ મિત્રતાના દાવે આપ્યા હતા. જે રૂપિયાની ચુકવણી માટે જસ્મીન ભીમાણીએ પાંચ-પાંચ લાખના પાંચ ચેક આપ્યા હતા. જે પાંચેય ચેક રીટર્ન થતા રસીક ચોવટીયાએ પાઠવેલી નોટીસ બજી જવા છતાં ચેક મુજબની રકમ નહિ ચૂકવતા અદાલતમાં ચેક પરત ફર્યાની જુદી જુદી પાંચ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી જસ્મીન ભીમાણીને પાંચેય કેસમાં એક-એક વર્ષની સજા અને ૬ ટકા વ્યાજ સાથે ૨કમ ૧૫ દિવસમાં ન ચુકવે તો વધુ ત્રણ-ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, મદદમાં નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ અને જયમલ મકવાણા રોકાયા હતા.