New Delhi,તા.3
સોના-ચાંદીની ખરીદી માટે આજે દશેરાનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે અને શુકનવંતી ખરીદી પરંપરાની સોનીબજારમાં આખો દિવસ ધમધમાટ રહેતો હોય છે પરંતુ આજે ખરીદીને ઉંચાભાવનુ વિધ્ન નડયુ હોય તેમ બપોર સુધી ઘરાકી સામાન્ય અને પાંખી હોવાનુ ચિત્ર હતું. આજે સોના-ચાંદીના ભાવ મોટાભાગે સ્થિર જેવા હતા છતાં ઘરાકીમાં ચળકાટ ન હતો. જો કે, બપોર પછી ખરીદી વધવાનો આશાવાદ સેવવામાં આવતો હતો.
સોના-ચાંદીમાં કેટલાંક દિવસોથી એકધારી તેજી સાથે રોજેરોજ ભાવો નવી ઉંચાઈએ પહોંચી જ રહ્યા છે. આજે પણ ચાંદીમાં સુધારો હતો જયારે સોનુ સામાન્ય ઘટાડો સુચવતુ હતું. રાજકોટમાં હાજર ચાંદીનો ભાવ 1.50 લાખને વટાવી ગયો હતો.
ગઈકાલની સરખામણીએ 500 રૂપિયા વધીને 150200 સાંપડયો હતો. વિશ્વબજારમાં ભાવ 47.46 ડોલર હતો. હાજર સોનુ 120900 હતુ. ગઈકાલની સરખામણીએ 300 રૂપિયાનો ઘટાડો હતો. વિશ્વબજારમાં 3867 ડોલરનો ભાવ હતો.
સોનામાં આજે તેજીને બ્રેક લાગતા જવેલર્સોએ આંશિક રાહત અનુભવી હતી. દશેરાના આજના પવિત્ર દિવસની ખરીદી વિશે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલીયાએ જણાવ્યું હતું કે બપોર સુધી કોઈ ખાસ ઝમક જોવા મળી નથી.
ઉંચા ભાવને કારણે ડીમાંડને અસર થવાની શંકા હતી જ. હવે બપોર પછી કેવી હાલત રહે છે તેના પર નજર છે. રાજકોટમાં આમેય બપોર બાદ જ ગ્રાહકોનું જોર રહેતુ હોય છે. આજે પણ આ વલણ જળવાઈ રહેશે તેવો આશાવાદ છે.
રાધિકા જવેલર્સના અશોકભાઈ ઝીંઝુવાડીયાએ એમ કહ્યુ કે સોના-ચાંદી ખરીદી માટેનો મોટો દિવસ છતાં ઘરાકી સામાન્ય દિવસો જેવી જ છે. ઉંચા-રેકોર્ડબ્રેક ભાવનુ ગ્રહણ લાગ્યાનુ મનાય છે.
સામાન્ય વર્ષોમાં સોનીબજાર-જવેલર્સ શોરૂમો ગ્રાહકોથી ઉભરાતા હોય છે પરંતુ આજે માહોલ ઠંડો છે. ગત વર્ષની સરખામણી કરવામાં આવે તો માંડ 30-40 ટકા ખરીદી ગણી શકાય. બપોર બાદ ખરીદીનુ પ્રમાણ વધવાનુ મનાય છે.
જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશનના મયુર આડેસરાએ જો કે એમ કહ્યું કે સવારથી નાની ખરીદી અને ઈન્કવાયરી છે. બાકી રાજકોટના લોકોની માનસિકતા બપોર પછી જ ખરીદી માટે નિકળવાની છે એટલે સાંજે ઘરાકી વધી શકે છે.
જવેલર્સોના કહેવા પ્રમાણે ચાલુ કેલેન્ડર વર્ષમાં સોનામાં બાવન ટકા તથા ચાંદીમાં 68 ટકાથી વધુનો ભાવવધારો થઈ ગયો છે. વૈશ્વિક ઘટનાક્રમોથી તેજી વધુ ભડકી રહી છે. અમેરિકામાં શટડાઉનથી તેજીનુ નવુ કારણ ઉભુ થયુ છે.
વૈશ્વિક બેંકોની ખરીદી, ટેરિફ વોર, યુદ્ધ સહિતના ભૌગોલિક ટેન્શન સિવાય પણ નવા-નવા તેજીના કારણો ઉભા થતા હોવાથી પ્રવર્તમાન ટ્રેન્ડ હજુ આગળ વધવાની ભીતિ છે. રાજકોટના જાણીતા વેપારીએ કહ્યું કે આજે દશેરાના દિવસે સાંજે પણ ખરીદી ન નીકળે તો આગામી ધનતેરસ-દિવાળીની ખરીદી વિશે પણ ચિંતા ઉભી થવા લાગે તેમ છે.