Ahmedabad,તા.5
ગુજરાતમાં 6000 કરોડથી વધુ રોકાણ મેળવીને મહાકૌભાંડ આચરનારા બીઝેડ ગ્રુપનાં કારસ્તાનમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. શુભમન ગીલ, રાહુલ તેવટીયા, સહીત પાંચ ક્રિકેટરોનું રોકાણ હોવાનું પણ બહાર આવ્યુ છે. ફિલ્મ અભિનેતા સોનુ સુદના રોકાણની પણ ચર્ચા છે. ઉપરાંત શિક્ષણ જગતમાંથી શિક્ષકોએ પણ મોટુ રોકાણ કર્યુ હોવાનું જાહેર થયુ છે.
ગુજરાતના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસનો રેલો કેટલો દુર જશે એ તો ખબર નથી. પરંતુ તેની ઝપટમાં ભારતીય ક્રિકેટરો પણ આવ્યા હોવાનું સામે આવ્યુ છે.ભારતના જાણીતા ક્રિકેટરોએ ઝાલાની સ્કીમમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સીઆઈડીની તપાસના ક્રિકેટરોએ પૈસા રોકયાનુ ખુલ્યુ છે.
પોલીસ સુત્રો પાસેથી માહીતી મુજબ અંદાજે 5 જેટલા ક્રિકેટરોએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને ક્રિકેટરોનાં નામ પણ સામે આવ્યા છે. જેમાં ક્રિકેટર શુભમન ગીલ, રાહુલ તેવટીયા, મોહીત શર્મા, સાંઈ સુદર સહીત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યા છે.
આ ઉપરાંત એકટર સોનુ સુદના નામની પણ તપાસ થઈ રહી છે.કારણ કે સોનુ સુદ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. સમગ્ર કૌભાંડ કર્યા બાદ અને રોકાણકારોને નવડાવ્યા બાદ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે.ચર્ચા છે કે તે દેશની બહાર નીકળી ગયો છે. તો એવુ પણ ચર્ચાઈ રહ્યું છે કે તેણે ભારત દેશ હજુ છોડયો નથી તેથી તેની દેશની વિવિધ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે.
જોકે તે તેનો પાસપોર્ટ લઈને નીકળ્યો હોવાનું કહેવાય છે. બી ઝેડ ગ્રુપ કૌભાંડ મામલે ઠગ ભૂપેન્દ્ર ઝાલાનો વધુ એક અય્યાશીભર્યો વિડીયો વાયરલ થયો છે. જેમાં લોકોને પણ ઠગ ભૂપેન્દ્ર ઝાલા સાધુ-સંતોને હેલીકોપ્ટરનો પ્રવાસ કરાવ્યો હતો. ઠગ ભૂપેન્દ્ર ઝાલા હેલીકોપ્ટરમાં સાધુ સંતોને મોજ કરાવતો હોય તેવો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે.
બીઝેડના ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ ટાંચમાં લેવાશે
બીઝેડ ગ્રુપમાં ક્રિકેટરોએ રૂા.1 લાખથી 1 કરોડ સુધીનુ રોકાણ કર્યુ હોવાની સીઆઈડી ક્રાઈમે જણાવતાં ઉમેર્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની 22 પ્રોપર્ટીને ઓળખી કઢાઈ છે. તેને ટાંચમાં લઈને રોકાણકારોને પૈસા પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિવિધ પ્રોપર્ટીઓમાં ગાંધીનગરમાં 3, સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 5, અને અમદાવાદમાં 2 પ્રોપર્ટીઓનો સમાવેશ થાય છે.
ઉપરાંત સાબરકાંઠા જીલ્લામાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકે ચૂંટણી પંચમાં લેખીત ફરીયાદ આપીને જણાવ્યું હતું કે 2024 ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિગતો છુપાવી હતી. તેની સામે આર્મ્સ એકટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતા સોગંદનામામાં વિગતો જાહેર કરી ન હતી. બીઝેડ ગ્રુપનાં કૌભાંડમાં અનેક શિક્ષકોનાં નામ પણ સામે આવ્યા છે ત્યારે રાજયનું શિક્ષણ વિભાગ પણ એકશનમાં આવ્યુ છે. જેના કારણે હવે શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃતિઓમાં સંકળાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે.