કોમ્પ્યુટર ઈજનેર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સહેલગાહે લઈ જઈ શારીરિક શોષણ કર્યું
Rajkot,તા.28
કોમ્પ્યુટર ઈજનેર યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સહેલગાહે લઈ જઈ શારીરિક શોષણ કરવાની ફરિયાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.વધુ વિગત મુજબ ફ્રી લાન્સિંગ કામ કરતી કોમ્પ્યુટર એન્જિનિયર પીડિતાએ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં અર્જુન પાર્કમાં રહેતા સીએ દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયા સામે ગાંધીગ્રામ પોલીસમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી હતી. બમ્બલ નામની એપ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દર્શન પીઠડીયાએ મહિલા ઇજનેર ને પ્રેમજાળમાં ફસાવીને ગઇ તા.૧૮/ ૧૦/ ૨૦૨૪ના સ્ટાફની બર્થ-ડે પાર્ટીમાં ધારી (ગીર) સ્થિત હિલ વ્યુ રિસોર્ટમાં લઇ જઇ લગ્નની લાલચ આપી શારીરીક સંબંધ બાંધેલ હતો. બાદ ઉજ્જૈન, ઉદયપુર, ગોવા સહિતના સ્થળોએ અને રાજકોટની હોટલમાં શારીરિક શોષણ કરી લગ્ન માટે ફરી ગયો હોવાથી આ ફરિયાદ જણાવ્યું હતું. પોલીસ ધરપકડની દહેશતથી દર્શન પીઠડીયાની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી નામંજૂર થતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આરોપી આગોતરા જામીન મેળવવા હાઇકોર્ટમાં ગયા હતા,જેમાં આરોપી વતી એડવોકેટ પ્રતીક જસાણી અને અમૃતા ભારદ્વાજ હાજર થયા હતા. તેમણે હાઇકોર્ટમાં રજૂઆતો અને દલીલો કર્યા હતા કે ભોગ બનનાર અને આરોપી બંને પુખ્ત હોય અને એફઆઇઆર જોતા તેમની વચ્ચે પ્રેમ સંબંધોને કારણે મરજીથી અલગ અલગ જગ્યાએ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું જણાય છે. ભોગ બનનાર એન્જિનિયર ઉપરાંત છૂટાછેડા લીધેલ સ્ત્રી છે, તે કોઈના પ્રલોભનમાં આવે એ માની શકાય નહીં, આરોપી પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આબરૂદાર વ્યક્તિ છે, કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર નથી, તેથી આરોપીની આગોતરા અરજી મંજૂર કરવી જોઈએ.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી પક્ષ દ્વારા રજુ રાખવામાં આવેલ વિવિધ વડી અદાલતોનાં ચુકાદાઓને ધ્યાને લઈ હાઈકોર્ટે આરોપી દર્શન પીઠડીયાને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે. આ કામાં આરોપી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ઘીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ તથા હાઈકોર્ટમાં એડવોકેટ પ્રતીક વાય. જસાણી તથા અમૃતા ભારદ્વાજ રોકાયા હતા.