Khambhaliya,તા.10
દ્વારકા ખાતે આસ્થા અને પુણ્યનું ભાથું બાંધવા અને ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે બહોળી સંખ્યામાં પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જઈ રહ્યો છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે સેવાભાવીઓ દ્વારા ખંભાળિયા સહિત જિલ્લામાં વિવિધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ દ્વારકા જતા પદયાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી મુળુભાઈએ દ્વારકા જિલ્લામાં આવેલ વિવિધ સેવા કેમ્પ સ્વામિનારાયણ અન્ન ક્ષેત્ર, પદયાત્રી સેવા કેમ્પ, સેવા આનંદ કેમ્પ, સહિતના કેમ્પની મુલાકાત લઈ યાત્રાળુઓ ખબર અંતર પૂછ્યા હતા તેમજ યાત્રાળુઓને ભોજન પીરસી સેવાનો અવસર મેળવ્યાની લાગણી અનુભવી હતી.
તેમના દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંચાલિત વેસ્ટ એકત્રિત કરવાના વાહનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપરાંત ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા તેમજ પર્યાવરણ પ્રદૂષણ અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમજ દ્વારકા જતા પદયાત્રાનો ઝીરો વેસ્ટનો સંકલ્પ બનાવી સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. વિવિધ સેવા કેમ્પ ખાતે વિશ્રામ કરવા રોકાયેલા યાત્રાળુઓ સાથે વાર્તાલાપ કરી સાવચેતી અને સલામતી સાથે યાત્રા પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.