કાનમાંથી 700 મીટર વાયર ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરની શોધખોળ
Rajkot,તા.10
શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલી ઇલેક્ટ્રિકલની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. દુકાનમાંથી રૂ.1.04 લાખની કિંમતના કેબલની ચોરી અંગે ગાંધીગ્રામ પોલીસમાં ગુનો નોંધાયો છે.
મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવેલ શિવ આસ્થા રેસીડેન્સીમાં રહેતા 39 વર્ષીય વેપારી મહેશભાઈ પ્રવિણભાઈ અકબરીએ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ યુનીવર્સીટી રોડ પર જલારામ શેરી નં.- ૨ ખાતે વ્રજ ઇલેકટ્રો ટ્રેડ નામે દુકાન ચલાવે છે. ગત તા. ૩૦/૦૩/૨૦૨૫ ના રોજ રવિવાર હોવાથી બપોરના પોણા એક વાગ્યે હું મારી દુકાનનો અંદરનો દરવાજો લોક કરીને બહારના દરવાજાને આકળીયો મારી ઘરે જતો રહેલ હતો. બાદ બિજા દિવસે તા.૩૧/૦૩/૨૦૨૫ ના રોજ સવારના આઠ વાગ્યે દુકાને આવીને જોયુ તો દુકાનનો બહારનો દરવાજો ખુલ્લો હતો. દુકાનનો અંદરનો દરવાજો લોક હતો અને મારા દુકાનના ફળીયામાં રહેલ બધો સામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો.
બાદ મે જોયુ તો દુકાનના ફળીયામાથી ૧૬ સ્કવેર એમએમનો કોપરનો ફલેક્ષીબલ કેબલ ૫૦૦ મીટર જેની બિલ મુજબ કિંમત રુ. ૮૩,૫૫૪ તથા ૧૦ સ્ક્વેર એમએમનો કોપરનો ફલેક્ષીબલ કેબલ ૨૦૦ મીટર જેની બિલ મુજબ કિંમત રુ. ૨૧,૪૪૪ વમળી આવેલ નહીં. આજુબાજુ તપાસ કરવા છતાં કેબલ નહિ મળી આવતા કોઈ ચોરી થયાંની આશંકા દ્રઢ બની હતી. જેથી વેપારીએ ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે રૂ. 1,04,998ની કેબલચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ ગાંધીગ્રામ પોલીસની ટીમે ચોરી અંગે ગુનો નોંધી સીસીટીવી મારફત તસ્કરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.