Canada,તા.૯
કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના બીજા વિદ્યાર્થીની હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૨૦ વર્ષીય હર્ષનદીપ સિંહની શુક્રવારે (૦૬ ડિસેમ્બર, ૨૦૨૪) કેનેડાના એડમોન્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં ભણવાની સાથે હર્ષનદીપ સિંહ સિક્યોરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતો હતો. કેનેડા પોલીસે એક ભારતીયની હત્યાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.
આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે પહેલા હર્ષનદીપ સિંહને સીડી પરથી નીચે ધકેલવામાં આવ્યો અને પછી તેને પાછળથી ગોળી મારી દેવામાં આવી. એડમન્ટન પોલીસના જણાવ્યા અનુસાર હત્યાની આ ઘટના ૬ ડિસેમ્બરે બની હતી. પોલીસને એક એપાર્ટમેન્ટની અંદર ગોળી ચલાવવામાં આવી હોવાનો અહેવાલ મળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમને હર્ષદીપ સીડી પર બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. આ પછી પોલીસ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
હાલમાં પોલીસે આ કેસમાં ઈવાન રેઈન અને જુડિથ સોલ્ટો નામના બે લોકોની ધરપકડ કરી છે. બંનેની ઉંમર ૩૦ વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. બંને પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે. કેનેડામાં, પ્રથમ-ડિગ્રી હત્યાને ’વ્યક્તિની આયોજિત અને ઇરાદાપૂર્વકની હત્યા’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પોલીસે હથિયાર પણ કબજે કર્યા છે.
દરમિયાન, અત્રે એ પણ જણાવી દઈએ કે, ઓન્ટારિયોના સારનિયા શહેરમાં ૨૨ વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરસીસ સિંહની છરાથી મોતના થોડા દિવસો બાદ જ આ ઘટના બની હતી. ગુરાસીસ સિંહ કેનેડાની એક કોલેજમાં બિઝનેસનો અભ્યાસ કરતો હતો. પોલીસે આ કેસમાં આરોપી ક્રોસલી હન્ટરની ધરપકડ કરી હતી. હન્ટર અને ગુરાસીસ એક જ રૂમમાં રહેતા હતા.