Toronto, તા.31
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ જાહેરાત કરી છે કે, કેનેડા સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની યોજના ધરાવે છે.
તાજેતરના સમયમાં આ પ્રકારનો નિર્ણય લેનાર તે ત્રીજો દેશ બન્યો છે. કાર્નેએ સ્પષ્ટતા કરી હતી કે, આ માન્યતા ચોક્કસ શરતો પર આધારિત હશે. જેમાં મુખ્યત્વે પેલેસ્ટાઇન ઓથોરિટી દ્વારા શાસનમાં મૂળભૂત સુધારા, વર્ષ 2026માં હમાસ વિના પારદર્શક સામાન્ય ચૂંટણીઓ યોજવી અને પેલેસ્ટાઇન વિસ્તારોનું નિ:શસ્ત્રીકરણ સામેલ છે.
વડા પ્રધાન કાર્નેએ જણાવ્યું હતું કે, કેનેડા લાંબા સમયથી બે-રાષ્ટ્ર સમાધાન માટે પ્રતિબદ્ધ છે. જેમાં એક સ્વતંત્ર, વ્યવહારૂ અને સાર્વભૌમ પેલેસ્ટાઇન રાજ્ય ઈઝરાયલ સાથે શાંતિ અમે સલામતીમાં સહ-અસ્તિત્વ ધરાવે છે.
જોકે, આ સમાધાન હવે ઝડપથી અસ્થિર થઈ રહ્યું છે, ખાસ કરીને હમાસની હિંસા, વેસ્ટ બેન્ક અને યરુશલમમાં ઝૂંપડપટ્ટીનો વિસ્તાર અને ગાઝામાં બગડતની માનવીય સ્થિતિ તેનું મુખ્ય કારણ છે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, હમાસે 7 ઓક્ટોબર 2023ના દિવસે થયેલી હિંસક ઘટનામાં બંધકોને તાત્કાલિક મુક્ત કરવા પડશે. ભવિષ્યમાં હમાસે પેલેસ્ટાઇનના શાસનમાં કોઈ ભૂમિકા ભજવવાની નહીં રહે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડા હંમેશા ઇઝરાયલના અસ્તિત્વ અને સુરક્ષાના અધિકારને સમર્થન આપશે.
આ જાહેરાત મંગળવારે બ્રિટન દ્વારા આપવામાં આવેલા આવા જ એક નિવેદન બાદ કરવામાં આવી છે. બ્રિટને કહ્યું હતું કે, જો ઇઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામ અને અન્ય માનવતાવાદી પરિસ્થિતિઓ માટે સંમત નહીં થાય તો તે સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને માન્યતા આપશે.
ગત અઠવાડિયે ફ્રાન્સે પણ કહ્યું હતું કે, તે પેલેસ્ટાઇનને સત્તાવાર રીતે માન્યતા આપશે. વર્તમાનમાં વિશ્ર્વના લગભગ 139 દેશ પેલેસ્ટાઇનને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપે માન્યતા આપી ચુક્યા છે. કેનેડાના આ પગલાંને વૈશ્ર્વિક રાજદ્વારી પરિદ્રશ્યમાં એક વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે.